કેરળમાં મંદિરના ઉત્સવમાં ફટાકડા ફોડવા દરમિયાન મોટો અકસ્માત : જબરદસ્ત બ્લાસ્ટ થતાં 150થી વધુ દાઝ્યા
દિવાળી પહેલા કેરળમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. સોમવારે (28 ઓક્ટોબર) મોડી રાત્રે કેરળમાં નીલેશ્વરમ નજીક એક મંદિરમાં ઉત્સવ દરમિયાન ફટાકડા સળગાવવાને કારણે થયેલા અકસ્માતમાં 150 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે ઘાયલોને કાસરગોડ, કન્નુર અને મેંગલુરુની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટના અંજુતામ્બલમ વીરકાવુ મંદિરમાં બની હતી. અહીં મંદિરમાં વાર્ષિક કાલિયતમ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો. કાર્યક્રમ માટે ફટાકડાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેને સ્ટોરેજમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. દરમિયાન રાત્રે 12.30 વાગ્યે અચાનક ફટાકડા ફૂટવા લાગ્યા અને થોડી જ વારમાં ધુમાડાના ગોટે-ગોટા ઉડવા લાગ્યા હતા.
ઘટના દરમિયાન લોકોએ મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું હતું. વિસ્ફોટના કારણે 150થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી 97 ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે.
મંદિર સમિતિના 8 સભ્યો વિરુદ્ધ FIR
પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે અને પરવાનગી વિના ફટાકડા ફોડવા અને માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવા બદલ મંદિર સમિતિના 8 સભ્યો વિરુદ્ધ બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. FIRમાં કહેવામાં આવ્યું છે કે બેદરકારીના કારણે ફટાકડાના સ્ટોરેજમાં આગ લાગી હતી અને આ ઘટના બની હતી.