સાબરકાંઠાની સાબર ડેરીમાં દુર્ઘટના : પ્લાન્ટમાં બોઇલર સાફ કરતા સમયે ગૂંગળામણથી એક મજૂરનું મોત, 2ની હાલત ગંભીર
સાબરકાંઠાની સાબર ડેરીમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હિંમતનગર નજીક સાબરડેરીમાં બોઇલર સફાઈ કરતા ગૂંગળામણ થતા એક શ્રમિકનું મોત નિપજ્યું છે. તો ગેસ ગૂંગળામણને કારણે બે શ્રમિકોની હાલત ગંભીર થઈ છે. બંને શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં પોલીસના અધિકારીઓ અને 108ની ટીમ દોડી આવી હતી અને બે શ્રમિકોને સારવાર અર્થે અને એક શ્રમિકને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સાબર ડેરીમાં બોઇલરની સફાઇ કામગીરી દરમિયાન મોટો અકસ્માત સર્જાયો હતો. બોઇલર સાફ કરતી વખતે અચાનક ગેસ લીકેજ થતાં અફરાતફરી મચી ગઇ હતી. આ બોઇલરની સફાઇ કરી રહેલા 25 વર્ષે યુવકનું ગૂંગળામણથી મોતનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે કામદારોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં મોતને ભેટેલા યુવકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ ઘટનામાં અન્ય ચાર વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થઈ છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર સાબર ડેરીના અધિકારીઓ સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો છે.
રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવે છે કે ગટર સાફ કરવા ઉતરેલા મજૂરો કે પછી બોઈલર સાફ કરવા ઉતરેલા શ્રમિકો અથવા કંપનીની કોઈ પાઇપલાઇનને સાફ કરવા મજૂરોને નીચે ઉતારવામાં આવે છે અને તેઓ ગૂંગળામણથી મૃત્યુ પામે છે. વર્ષ દરમિયાન અનેક કિસ્સાઓ સામે આવવા છતાં તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી ત્યારે આવી ઘટનાઓ ક્યારે અટકશે તે જોવાનું રહ્યું !!