મહારાષ્ટ્રમાં મહાયુતિની પ્રચંડ જીત : મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મતદારોનો આભાર માન્યો, જાણો મુખ્યમંત્રી પદને લઈ શું કહ્યું ?
મહારાષ્ટ્રની વિધાસભા ચૂંટણીમાં પ્રચંડ જીત પર મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રતિક્રિયા આપતા તમામ મતદારોનો આભાર માન્યો છે અને કહ્યું કે, આ એક વિશાળ જીત છે. અમને તમામ વર્ગોના મત મળ્યા છે. મહાવિકાસ આઘાડીએ 2.5 વર્ષ માત્ર આરોપો લગાવવામાં વિતાવી દીધા. અમે આ આરોપોનો જવાબ નિવેદનોથી નહીં પરંતુ કામથી આપ્યો છે. મતદારોને લાગ્યું કે આ સરકાર કામ કરતી સરકાર છે અને તેથી તેને ફરી સત્તા આપી છે.
સીએમ એકનાથ શિંદેએ વધુમાં કહ્યું કે, મહાયુતિના તમામ કાર્યકર્તાઓ ખંતથી કામ કરી રહ્યા છે. તેઓએ અમને એવી જીત અપાવી છે જે પહેલા ક્યારેય મળી નથી. જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરે છે ત્યારે વિકાસ થાય છે. કેન્દ્ર સરકારે હંમેશા અમારા રાજ્યને મદદ કરી છે.
એકનાથ શિંદેએ કહ્યું કે, જેમની પાસે વધુ સીટો હોય તેને મુખ્યમંત્રી પદ આપવામાં આવે તે અંગે કોઈ એવી વાત થઈ નથી. મુખ્યમંત્રી પદ માટે ત્રણેય પક્ષો સાથે બેસીને ચર્ચા કરશે. પીએમ મોદી છે, જેપી નડ્ડા છે, અમે બધા સાથે મળીને નિર્ણય કરીશું. એકનાથ શિંદેએ કહ્યું કે, જે રીતે મહાયુતિએ એક થઈને ચૂંટણી લડી છે, તે જ રીતે બધા સાથે બેસીને સીએમ પદનો નિર્ણય કરશે.
એકનાથ શિંદેએ એમ પણ કહ્યું કે, જનતાએ 2.5 વર્ષથી મહાયુતિનું કામ જોયું છે અને પોતાનો મત આપીને વિજયી બનાવ્યા છે. અમને લાડલી બહેનો અને પ્રિય ભાઈઓ સહિત દરેકના મત મળ્યા છે. દરેક વ્યક્તિ સાથે મળીને આગળના નિર્ણયો લેશે. મહાવિકાસ આઘાડીએ 2.5 વર્ષ માત્ર આરોપો લગાવવામાં જ વિતાવ્યા. અમે આરોપોનો જવાબ નિવેદનોથી નહીં પરંતુ કામથી આપ્યો છે.
લાડલી યોજના લોકોને પસંદ આવી : અજીત પવાર
એન.સી.પી.નાં નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે પત્રકારોને કહ્યું હતુ કે, પહેલી વાર કોઈ ગઠબંધનને ૨૦૦ થી વધુ બેઠક આવી છે. જે પરિણામ આવ્યા છે તે મહાયુતી સરકારની કામગીરીને આભારી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, મહાયુતી સરકારે જે કામગીરી કરી છે તે લોકોને પસંદ આવી છે. સરકારે પાછલા દિવસોમાં જે જે યોજનાઓ મુકી હતી તે લોકોના લાભાર્થે હતી અને તેનાથી લોકોને ઘણો ફાયદો થયો છે. ખાસ કરીને લાડલી યોજના સૌથી વધુ પસંદ આવી છે.
રવિવારે બપોર સુધીમાં મુખ્યમંત્રીનું નામ નક્કી થઇ જશે : વિનોદ તાવડે
૨૬મી સુધીમાં નવી સરકારની રચના કરવી જરૂરી છે : ભાજપના ઓબ્ઝર્વર મુંબઈ આવશે
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેએ આજે કહ્યું હતું કે, મુખ્યમંત્રી પદ માટે કોઈ ખેંચતાણ નથી અને મોટાભાગે રવિવારે બપોર સુધીમાં નવા મુખ્યમંત્રીનું નામ નક્કી થઇ જશે. તેમણે કહ્યું હતું કે, હાલના મુખ્યમંત્રી એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડનવીસ તેમ જ અજીત પવાર સાથે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ચર્ચા કરશે. આ ચર્ચા બાદ ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડમાં આ અંગે ચર્ચા થશે અને પછી રવિવારે અથવા સોમવારે નિરીક્ષકોને મુંબઈ મોકલવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ૨૬મી તારીખ સુધીમાં નવી સરકારની રચના થઇ જવી જરૂરી છે અને તે પ્રમાણે જ થશે.
એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં જે ભવ્ય વિજય મળ્યો છે તેની ક્રેડીટ એકનાથ શિંદે, ફડનવીસ, અજીત પવાર અને કાર્યકરોને જાય છે.