આજે મહારાષ્ટ્રના પ્રધાનમંડળનું વિસ્તરણ : ૩૫ પ્રધાનો શપથ લ્યે તેવી સંભાવના
વિભાગોની વહેંચણી અંગે છેલ્લી ઘડી સુધી ખેંચતાણ
મહારાષ્ટ્ર સરકારના પ્રધાનમંડળનું તા. ૧૪મીએ બપોરે વિસ્તરણ હાથ ધરવામાં આવનાર છે. સુત્રોના જણાવ્યા અનુસાર, રાજભવનમાં બપોરે ૧૨ વાગ્યે યોજાનારા એક સમારોહમાં મોટાભાગે ૩૫ પ્રધાનો શપથ ગ્રહણ કરશે. આ મહાયુતિ સરકારમાં પ્રધાનમંડળની ફોર્મ્યુલા 20-10-10ની રહેશે.
પ્રધાનમંડળનાં વિસ્તરણમાં ભાજપનો જ દબદબો રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે. ભાજપ પાસે સૌથી વધુ 20 ખાતા હોવાની શક્યતા છે. જ્યારે એકનાથ શિંદે અને અજિત પવારને 10-10 ખાતા મળશે.
દેવેન્દ્ર ફડણવીસ અને અમિત શાહ વચ્ચે દિલ્હીમાં થયેલી ચર્ચામાંથી કેટલાક મહત્વના મુદ્દાઓ બહાર આવી રહ્યા છે. ગૃહ અને નાણાં જેવા મહત્વના ખાતા ભાજપ પાસે જ રહેશે. શિવસેનાને નગર વિકાસ ખાતું મળશે તેવું અનુમાન છે. એનસીપી (અજિત પવાર જૂથ)ને મહેસુલ ખાતું મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ જાહેર બાંધકામ ખાતું અન્ય પક્ષને સોંપવા માટે તૈયાર થઈ ગયો છે.
મુંબઈમાં મહાયુતિની બેઠક બાદ કેબિનેટ વિસ્તરણને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. સૂત્રોએ માહિતી આપી હતી કે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથેની અંતિમ બેઠક પછી ફોર્મ્યુલા ફાઈનલ કરાશે.