મહાકુંભ: અકસ્માતોમાં કયા કેટલા મોત ? વાંચો
અભૂતપૂર્વ સંખ્યામાં ભક્તો મહાકુંભમાં પહોંચીને સંગમમાં સ્નાન કરી રહ્યા છે. જેના કારણે ભારે ભીડને કારણે અનેક અકસ્માતો પણ થઈ રહ્યા છે. મહાકુંભમાંથી પરત ફરતી વખતે, ઉત્તર પ્રદેશના ફતેહપુર અને સોનભદ્ર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતો અલગ-અલગ જગ્યાએ થયા હતા.

સોનભદ્ર જિલ્લામાં બાભની-અંબિકાપુર રોડ પર બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 5 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને અન્ય 8 લોકો ઘાયલ થયા હતા. પ્રથમ અકસ્માત બોલેરો અને ટ્રેલર સામસામે અથડાતાં સર્જાયો હતો. આ અકસ્માતમાં એક દંપતી અને અન્ય બે સહિત એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. આ તમામ લોકો મહાકુંભમાં સ્નાન કરીને છત્તીસગઢના રાયગઢ પરત ફરી રહ્યા હતા. આ અકસ્માતમાં 7 લોકો ઘાયલ પણ થયા છે.
જ્યારે બીજો અકસ્માત મહાકુંભમાંથી પરત ફરી રહેલી બસ અને અન્ય બસ વચ્ચે અથડામણમાં સર્જાયો હતો. આ અકસ્માતમાં ઓડિશાના 1 ભક્તનું મોત થયું હતું, જ્યારે તેની બહેન ઘાયલ થઈ હતી.
ફતેહપુર જિલ્લાના પ્રયાગરાજ-કાનપુર હાઈવે પર એક એસયુવી ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાસગંજના અમન અને મૈનપુરીના રાહુલનું મોત થયું હતું. આ અકસ્માતમાં અનમોલ ગુપ્તા, કાવ્યા ગુપ્તા અને ચિરાગ ગુપ્તા સહિત અન્ય 3 લોકો ઘાયલ થયા હતા. ચિરાગ ગુપ્તા નોઈડામાં પરફ્યુમની ફેક્ટરી ચલાવે છે.