આજથી ૪૫ દિવસ સુધી મહાકુંભ
પ્રયાગરાજમાં વહેલી સવારે પહેલુ શાહી સ્નાન
લાખ્ખો ભાવિકો પહોંચ્યા
યમુના ઘાટ ઉપર વોટર લેસર શો યોજાશે
ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજ ખાતે આજે સોમવારથી મહાકુંભની શરૂઆત થઇ રહી છે. આ મહાકુંભની પૂર્ણાહુતિ ૨૬ ફેબ્રુઆરીએ એટલે કે મહાશિવરાત્રીનાં દિવસે થશે. આ કુંભમેળો ધાર્મિકતા, આસ્થા અને સંસ્કૃતિનો સંગમ છે.આ મેળાનું આયોજન દેશના લાખ્ખો લોકોને જોડે છે એટલું જ નહી વિશ્વભરના પ્રવાસીઓને પણ આકર્ષિત કરે છે. દર ૧૨ વરસે એક વાર આ મહાકુંભનું આયોજન થાય છે અને તે દેશના ચાર પ્રાચીન શહેરો હરિદ્વાર, નાસિક, પ્રયાગરાજ અને ઉજ્જૈનને જોડે છે. આ મહાકુંભમાં સ્નાન અને પૂજા-અર્ચના ઘણું મહત્વ ધરાવે છે. ૪૫ દિવસ ચાલનારા આ મહાકુંભમાં કરોડો લોકો આવતા હોવાથી સલામતિની પણ ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈ પણ દુર્ઘટના ન બને તે માટે જુદા જુદા સ્નાન ઘાટ ઉપર ૩૩૦ જેટલા તેરૈયા તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચાર એનાકોન્ડા બોટ અને વોટર એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે.
પ્રયાગરાજમાં યમુના ઘાટ ઉપર વોટર લેસર શો પણ શરુ થશે અને પાણીમાં કુંભ કથા નિહાળી શકાશે.
આ મહાકુંભમાં શાહી સ્નાનનું મુહુર્ત સોમવારે વહેલી સવારે ૫.૨૭ મિનિટથી ૬.૨૧ મિનીટ સુધીનું છે…આમ તો બ્રહ્મ, પ્રાત:સંધ્યા, વિજય અને ગોધૂલી એમ જુદા જુદા મુહુર્ત ઉપર સ્નાન કરી શકાય છે. આ વખતે ૧૪૪ વર્ષ પછી એક શુભ સંયોગ બની રહ્યો છે.
પ્રયાગરાજમાં પહેલું સ્નાન સોમવારે તા. ૧૩ના રોજ થશે, જયારે બીજું શાહી સ્નાન ૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાંતિના દિવસે, ત્રીજું સ્નાન ૨૯ જાન્યુઆરીએ મૌની અમાસના દિવસે, ચોથું સ્નાન ૨ ફેબ્રુઆરીએ વસંત પંચમીને દિવસે, પાંચમુ શાહી સ્નાન તા. ૧૨ ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમાના દિવસે અને છેલ્લું શાહી સ્નાન ૨૬ ફેબ્રુઆરીએ મહા શિવરાત્રીના દિવસ થશે.
કુંભ દરમિયાન નાગા સાધુ આકર્ષણનું કેન્દ્ર હોય છે. અહીં મોટી સંખ્યામાં નાગા સાધુઓ જોવા મળે છે. તેમને કુંભ મેળામાં સૌથી પહેલા સ્નાન કરવાનો અધિકાર છે. તે પછી જ બાકીના ભક્તોને સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવે છે.
સ્ટીવ જોબ્સની પત્ની લોરેન બની ગયા કમલા
અમેરિકન અબજોપતિ ઉદ્યોગપતિ સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ જોબ્સ કલ્પવાસ માટે મહાકુંભ પહોંચી છે. તેમના ગુરુ, નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદે તેમને એક નવું નામ કમલા આપ્યું છે. કમલા પોષ પૂર્ણિમાના દિવસે પ્રથમ ડૂબકી લગાવીને કલ્પવાસની શરૂઆત કરશે. લોરેન પોવેલ જોબ્સ સેક્ટર-18માં કૈલાશાનંદના કેમ્પમાં રહેશે અને સનાતન પરંપરાના કડક શિસ્ત તરીકે કલ્પવાસ કરશે. મહાકુંભ દરમિયાન, સાદું જીવન જીવતા, તે સંગમની રેતી પર સનાતન સંસ્કૃતિથી પરિચિત થશે અને આધ્યાત્મિક જ્ઞાન પણ મેળવશે.