Mahakumbh 2025 : મહાકુંભની ખોટી માહિતી ફેલાવવા બદલ 53 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ 2025 અંગે ખોટા સમાચાર અને ભ્રામક વીડિયો શેર કરનારા 53 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે કેસ દાખલ કરીને પોલીસે કાર્યવાહી કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર, પોલીસ અને સાયબર એજન્સીઓ ખોટી માહિતી પર નજર રાખી રહી છે અને કાનૂની કાર્યવાહી કરી રહી છે.
એજન્સીના જણાવ્યા અનુસાર, યુપી પોલીસના મહાનિર્દેશક (ડીજીપી) પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે સાયબર પેટ્રોલિંગ દરમિયાન, ઘણા ભ્રામક વીડિયો અને પોસ્ટ પકડાયા હતા, જેને મહાકુંભ સાથે જોડીને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહ્યા હતા. ૧૩ ફેબ્રુઆરીના રોજ, એક ભ્રામક વીડિયો વાયરલ થયો હતો જેમાં ઇજિપ્તમાં લાગેલી આગની સરખામણી પ્રયાગરાજ કુંભમાં લાગેલી આગ સાથે કરવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે ૪૦-૫૦ વાહનો બળી ગયા હતા.
આ મામલાની તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો જુલાઈ 2020 માં કૈરોમાં પાઇપલાઇનમાં લાગેલી આગનો હતો. બીજા એક વીડિયોમાં, નવેમ્બર 2024માં પટનાના ગાંધી મેદાનમાં ફિલ્મ પુષ્પા 2 ના પ્રમોશનલ કાર્યક્રમ દરમિયાન થયેલી અંધાધૂંધીને કુંભમાં સૈન્ય કર્મચારીઓ પરના હુમલા તરીકે રજૂ કરવામાં આવી હતી.

જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઘણા નકલી વીડિયો વાયરલ થયા હતા. આ નકલી વીડિયો પોસ્ટ કરનારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ૧૩ જાન્યુઆરીના રોજ, યુપી ફાયર સર્વિસ દ્વારા નિયમિત ફાયર ડ્રીલ શેર કરવામાં આવી હતી જેમાં તેને કુંભ મેળામાં આગ લાગી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. 2 ફેબ્રુઆરીના રોજ, નેપાળનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ખોટા દાવા સાથે કહેવામાં આવ્યું હતું કે કુંભમાં ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો ફેંકી દેવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત, 7 ફેબ્રુઆરીના રોજ, એક ફેસબુક એકાઉન્ટે ભીડ નિયંત્રણનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેને કુંભમાં ભાગદોડ ગણાવી હતી. 9 ફેબ્રુઆરીના રોજ, ઝારખંડના ધનબાદનો એક વીડિયો પ્રયાગરાજના તરીકે શેર કરવામાં આવ્યો હતો, જેમાં યુપી પોલીસ પર યાત્રાળુઓને માર મારવાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ૧૨ ફેબ્રુઆરીના રોજ, વર્ષ ૨૦૨૧નો ગાઝીપુરનો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કુંભમાં મૃતકોના મૃતદેહોને ગંગામાં ફેંકવામાં આવી રહ્યા છે.
ડીજીપી પ્રશાંત કુમારના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ પોલીસે અઠવાડિયાના સાતેય દિવસ 24 કલાક સાયબર મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરી છે જેથી કોઈપણ અફવાઓ અને ખોટી માહિતી તાત્કાલિક પકડી શકાય. પોલીસ સોશિયલ મીડિયા કંપનીઓ સાથે મળીને આરોપીઓની ઓળખ કરી રહી છે. અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે કોઈપણ માહિતી શેર કરતા પહેલા તેની સત્યતા તપાસો.