હે રામ…!! રામ મંદિર મુદ્દે ગુજરાત કોંગ્રેસમાં મહાભારત
પાર્ટી હાઈકમાન્ડે રામ મંદિરના આમંત્રણને ઠુકરાવતાં કોંગ્રેસમાં જ આંતરિક ઘમાસાણ
અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર સહિતના નેતાઓએ દર્શાવેલી નારાજગી
અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે હવે રાજકારણ ગરમાયું છે. આ મહોત્સવ માટે આપવામાં આવેલું આમંત્રણ કોંગ્રેસે ઠુકરાવી દીધું છે અને તેને પગલે પગલે પક્ષમાં આંતરિક ઘમાસાણ શરુ થયું છે. ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અંબરીશ ડેરે સોશિયલ મીડિયા પોસ્ટ લખી રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ ઠુકરાવવા બદલ નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયામાં અંબરીશ ડેરે લખ્યું કે, મર્યાદા પુરષોત્તમ ભગવાન રામ આપણા આરાધ્ય દેવ છે. ભારતભરના અસંખ્ય લોકોની શ્રદ્ધા નવનિર્મિત મંદિર પ્રત્યે વર્ષોથી શ્રધ્ધા જોડાયેલી હોય તે સ્વભાવિક છે. રાષ્ટ્રીય કોંગસના કેટલાક લોકોએ તે ચોક્કસ પ્રકારના નિવેદનથી અંતર જાળવવું જોઈએ અને સાર્વજનિક ભાવનાઓને દિલથી માન આપવું જોઈએ. આવા નિવેદનથી મારા જેવા ગુજરાત કોંગ્રેસના અનેક કાર્યકરો નારાજ છે.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા હેમાંગ રાવલે ટ્વીટ કરી હાઇકમાનના નિર્ણય સામે આડકતરી રીતે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, હું જલ્દીથી રામમંદિરે દર્શન કરવા જઇશ.રામ મંદિર માટે જો મને નિમંત્રણ મળ્યું હોત તો હું અવશ્ય અયોધ્યા ગયો હોત.
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા પણ રામમંદિર અંગે હાઇકમાનના નિર્ણયથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે. અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરી જણાવ્યું કે, ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને આસ્થાની વાત છે. રાષ્ટ્રીય કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું.
આ બધાની વચ્ચે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ રામમંદિરના સમર્થનમાં આવ્યા છે. કિરીટ પટેલે ફેસબુક પર જયશ્રી રામ લખીને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની પોસ્ટ મૂકી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કિરીટ પટેલે કોંગ્રેસ પક્ષ છોડવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.
રાષ્ટ્રીય સ્તરે પણ વાદ-વિવાદ
ભાજપના પ્રવક્તા નલીન કોહલીએ કહ્યું કે, કોંગ્રેસે છેલ્લા કેટલાક દાયકાઓમાં અયોધ્યામાં મંદિર માટે કોઈ પગલું ભર્યું નથી. તેણે ભગવાન રામના અસ્તિત્વનો ઇનકાર કર્યો અને સુપ્રીમ કોર્ટમાં સુનાવણીમાં વિલંબ કર્યો. તેથી, જ્યારે કોંગ્રેસ પક્ષ સત્તાવાર રીતે કહે છે કે તે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા (અભિષેક સમારોહ) માં હાજરી આપશે નહીં ત્યારે આશ્ચર્ય થવું જોઈએ નહીં.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, “ભગવાન રામને કાલ્પનિક કહેનારાઓ માટે આ કંઈ નવું નથી.” આ એ જ કોંગ્રેસ છે જેણે એક સમયે અયોધ્યામાં બાબરી મસ્જિદનું પુનર્નિર્માણ કરવાનું વચન આપ્યું હતું. 2024માં ભગવાન રામનો બહિષ્કાર કરનાર કોંગ્રેસનો જનતા બહિષ્કાર કરશે.