બાળકીની હાલત નાજુક: ઓપરેશન કરાયું
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બાર વર્ષની એક બાળકી ઉપર દુષ્કરમાં આચરવાના બનાવમાં પોલીસે 38 વર્ષની ઉંમરના રાકેશ નામના રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી. અન્ય ત્રણ શખ્સોને પણ પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. બીજી તરફ દુષ્કર્મનો ભોગ બનેલી પીડીતા ઉપર હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. બાળકીની હાલત નાજુક પણ સ્થિર હોવાનું તબીબો એ જણાવ્યું હતું.
દુષ્કર્મનો ભોગ બનેલી આ બાળકી લોહીલુહાણ હાલતમાં એ વિસ્તારના લોકો પાસે મદદ માંગતી હોય અને લોકો તેની વ્હારે આવવાને બદલે ઘરના દરવાજા બંધ કરી જાકારો આપતા હોય તેવા વિડિયો વાયરલ થયા બાદ મધ્ય પ્રદેશમાં લોક આક્રોશ ફાટી નીકળ્યો હતો. બનાવની ગંભીરતા પારખી પોલીસે એ વિસ્તારના આઠ કિલોમીટર સુધીના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. એ દરમિયાન જીવન ખેરી વિસ્તારમાં એ બાળા એક રીક્ષામાં બેસતી હોવાનું નજરે પડ્યા બાદ પોલીસે રિક્ષાચાલકને દબોચી લીધો હતો. રિક્ષામાંથી લોહીના ડાઘા પણ મળ્યા હતા. આ બાળકી ગુમ થવા અંગે બનાવના આગલા દિવસે મિસિંગ રિપોર્ટ થયો હોવાનું પણ જાણવા મળે છે. આ બનાવને પગલે મધ્યપ્રદેશમાં કથડેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને મહિલાઓની અસલામતીનો મુદ્દો સપાટી ઉપર આવી ગયા બાદ મધ્યપ્રદેશ સરકારે આ બનાવની તપાસ માટે એસઆઇટી ની નિમણૂક કરી હોવાનું જાહેર થયું હતું.
પૂજારીએ ઘટનાક્રમ વર્ણવ્યો
કોઈએ સહારો ન આપ્યા બાદ બાળકી એ વિસ્તારના એક આશ્રમમાં પહોંચી હતી. આશ્રમના પૂજારી રાહુલ શર્માએ તેને આશ્વાસન આપી અને બેસાડી હતી અને નવા વસ્ત્રો આપ્યા હતા. પૂજારીના જણાવ્યા મુજબ બાળકી લોહીલુહાણ હતી, તેની આંખ ઉપર સોજો હતો. ગભરાયેલી બાળકી પોતાની ઓળખ પણ આપી શકી નહોતી. બાળકી એ હદે ભયભીય હતી કે પૂજારી સિવાયના બીજા એક ભાઈએ રૂમમાં પ્રવેશ કર્યો તો તે સંતાઈ ગઈ હતી. પૂજારીએ બનાવવા અંગે પોલીસ હેલ્પલાઇનમાં ફોન કરી સંપર્ક કરવાની કોશિશ કરી હતી પણ સંપર્ક ન થઈ શકતા અંતે તેમણે 100 નંબરને જાણ કરી હતી અને 20 મિનિટ બાદ પોલીસે ત્યાં જઈ અને બાળકીનો કબજો લીધો હતો.