લકઝરી કાર, મોટા ઘર સહિત આ વસ્તુઓ પર લાગી શકે છે 40% GST : જાણો શું થઈ શકે છે ફેરફાર
કેન્દ્ર સરકાર લકઝરી અને અન્ય કેટલીક આરોગ્યને નુકસાન કરતી ચીજો પર 40 ટકા ટેક્સ નાખી શકે છે. કદાચ એનાથી પણ વધુ ટેક્સ નાખવાનો વિચાર કરી રહી છે. GST માળખામાં જે આમૂલ પરિવર્તન થવાનું છે તે પહેલા જ સરકારે વિચાર શરૂ કર્યો હોવાનું બહાર આવ્યું છે. ફક્ત 2 સ્લેબ રાખવાના પ્રસ્તાવને GST કાઉન્સિલની બેઠકમાં મંજૂરી મળી જવાની છે તે પણ નિશ્ચિત મનાય છે.
ખાસ કરીને મોંઘી કાર, મોટા ઘર, તમાકુના ઉત્પાદનો, પાન-મસાલા અને દારૂ પર 40 ટકા અથવા તેનાથી વધુનો ટેક્સ નાખવાની વિચારણા ચાલે છે. સરકાર એમ માને છે કે આ ચીજો પર ટેક્સ નાખવાથી તેની ખપત ઘટી જશે અને બીજી બાજુ સરકારની મહેસૂલી આવક પણ વધી જશે. લોકોના આરોગ્યની રક્ષા થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રીઓના જુથના સમર્થનથી કેન્દ્ર સરકારે 40 ટકાના અલગ સ્લેબનું સૂચન કર્યું છે અને તેના વિષે GST કાઉન્સિલની મળનારી બેઠકમાં પણ ચર્ચા થઈ શકે છે. 3-4 સપ્ટેમ્બરે આ બેઠક યોજાવાની છે અને તેમાં ફક્ત 2 સ્લેબ રાખવાનો નિર્ણય થઈ શકે છે.
ગ્રૂપ વીમા માટે કંપનીઓને ITCનો લાભ દેવાની છૂટ મળી શકે છે
દરમિયાનમાં એવા અહેવાલો પણ બહાર આવ્યા છે કે GST કાઉન્સિલની બેઠકમાં અન્ય કેટલાક નિર્ણયો સાથે આઇટીસી અંગે પણ મહત્વનો નિર્ણય થઈ શકે છે. કર્મચારીઓના ગ્રૂપ વીમા પર કંપનીઓને ઈનપુટ ટેક્સ ક્રેડિટની છૂટ મળી શકે છે અને આ બારામાં જાહેરાત થઈ શકે છે.
