લો બોલો! ન કેચ થયો-ન સ્ટમ્પ વિખેરાયું છતાં બેટર થયો આઉટ, સુરત બન્યું વધુ એક રેકોર્ડનું સાક્ષી
સુરતમાં મેઘાલય વિરુદ્ધ રણજી ટ્રોફી પ્લેટ લીગ મેચ દરમિયાન મણિપુરનો લામબમ અજયસિંહ નામનો ખેલાડી ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વિચિત્ર રીતે આઉટ થનારા ખેલાડીઓ પૈકીનો એક બન્યો હતો. બોલને બે વખત મારવા બદલ તેને આઉટ અપાયો હતો. અજયે આર્યન બોરાના એક બોલને રોક્યો હતો. જ્યારે બોલ પરત વિકેટ તરફ આવ્યો તો તેણે એ બોલને બેટથી રોકી દીધો હતો.
જ્યારે બેટરે બોલને બે વખત માર્યો તો બોલ વિકેટ તરફ જઈ રહ્યો હતો. આ નિયમ હેઠળ યોગ્ય છે પરંતુ બેટર સહિત કોઈએ પણ અમ્પાયરના નિર્ણયનો વિરોધ કર્યો ન્હોતો. મેદાન પરના એક અધિકારીએ કહ્યું કે બેટર બોલને પેડથી દૂર કરી શકતો હતો પરંતુ તેણે બેટથી તેને રોકવાનો પ્રયત્ન કર્યો જેથી અમ્પાયર ધર્મેશ ભારદ્વાજે તુરંત એ બોલને બે વખત મારવા બદલ આઉટ આપ્યો હતો. મેઘાલય દ્વારા અપીલ કરાતા જ બેટર મેદાન બહાર ચાલ્યો ગયો હતો.
એમસીસી કાયદાની કલમ 34.1.1માં કહેવાયું છે કે જો બોલ રમતમાં છે અને સ્ટ્રાઈકરના શરીર અથવા બેટના કોઈ પણ ભાગ સાથે અથડાય છે અને સ્ટ્રાઈકર જાણીજોઈને બેટથી અથવા શરીરના અન્ય કોઈ ભાગથી (બેટને પકડનારા હાથ ઉપરાંત) બીજી વખત બોલ પર પ્રહાર કરે છે તો બેટર આઉટ થઈ જાય છે. કોઈ ફિલ્ડર દ્વારા બોલને સ્પર્શ કરાય તે પહેલાં બેટર માત્ર પોતાની વિકેટની જ રક્ષા કરવા માટે આવું કરે તો તે આઉટ ગણાશે.
અગાઉ 2005-06માં આવું બન્યું હતું. જમ્મુ-કાશ્મીરના કેપ્ટન ધ્રુવ મહાજનને ઝારખંડ વિરુદ્ધ આ જ પ્રકારે આઉટ અપાયો હતો. તેના પહેલાં માત્ર ત્રણ વખત રણજી ક્રિકેટરો આવું બન્યું હતું. આંધ્રનો કે.બવન્ના (1963-64), જમ્મુ-કાશ્મીરનો શાહિદ પરવેઝ (1986-87) અને તમીલનાડુના આનંદ જ્યોર્જ (1998-99) આ પ્રકારે આઉટ થઈ ચૂક્યા છે.
