જમશેદપુરમાં એપ્રેન્ટીસ હોસ્ટેલમાં રહેતા ટાટા સ્ટીલમાંશોપ ફ્લોર પરફરજ બજાવી
હજારો કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે પિતા સમાન હતા: હંમેશા કર્મચારીઓનું હિત હૈયે રાખ્યું
દર વર્ષે ત્રણ માર્ચના દિવસે જમશેદપુરમાં જમશેદજી ટાટા અને જમશેદપુરના જન્મ દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. એ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો, સંગીતના જલસા, કેક કટીંગ વગેરે કાર્યક્રમો યોજાય છે. રતન ટાટા એ કાર્યક્રમમાં અચૂક હાજર રહેતા. કાર્યક્રમ પૂરો થાય તે પછી તેઓ કર્મચારી અને કર્મચારીના પરિવારજનોને મળવા માટે દોડી જતા. એ બધા સામાન્ય કર્મચારીઓ હતા. કોઈ ફર્નેશમાં ફરજ બજાવતા તો કોઈ કોલ બ્લોકમાં કામ કરતા, કોઈ સફાઈ કામદાર હતા. રતન ટાટા એ બધાને વ્યક્તિગત રીતે મળતા, હસ્તધુનન કરતાં, બધાની હાલ ચાલ જાણતા અને સૌથી વધારે તો એ કર્મચારીના ભૂલકાઓ સાથે બાળક બની અને મજાક મસ્તી કરતા, બાળકોને ચોકલેટ આપતા. કર્મચારીઓ અને તેમના પરિવારજનો સાથેના એમના આ મિલનમાં ક્યાંય કૃત્રિમતા નહોતી. રતન ટાટા હતા જ પ્રેમમૂર્તિ.તેમના માટે કર્મચારીઓ માત્ર પગારદાર નોકર નહીં પણ પરિવારના સભ્ય હતા.
અને કર્મચારીઓ માટે તાતા એ શેઠ, માલિક, બોસ કે ચેરમેન નહીં પણ પિતા સમાન હતા. કર્મચારીઓ માટે ટાટા સ્ટીલ એ માત્ર કંપનીનો તે તેમના માટે એ મંદિર હતું જે તેમને રોજેરોટી આપતું, જે તેમના બાળકોના સ્વપ્નો પરિપૂર્ણ કરતું.અને એટલે જ જમશેદપુરમાં મોટાભાગના કર્મચારીઓના ઘરની દીવાલો પર દેવી-દેવતાઓની સાથે જ તાતા પરિવારના સભ્યોની તસવીરો હોય છે. જમશેદપુરના માર્ગો પર જમશેદજી તાતા ની પ્રતિમા પાસેથી પસાર કરનાર દરેક કર્મચારી ત્યાં મસ્તક ઝુકાવે છે.
રતન ટાટાએ 1997 માં સિમ્મી ગ્રેવાલને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાના જીવનની અનેક અંતરંગ વાતો વાગોળી હતી. રતન ટાટા અમેરિકામાં રહેતા હતા. એક દિવસ તેમના દાદીએ તેમને ભારત આવવાનું કહ્યું અને તેઓ tata સ્ટીલમાં કામે વળગ્યા. ટાટા એ કહ્યું હતું,” હું મારા દાદીની એકદમ નજીક હતો. હું યુએસમાં ખુશ હતો પણ તેમના કહેવાથી 1960માં હું જમશેદપુર આવ્યો. મારા આગમન પહેલા બધા એ વાત એ સહમત હતા કે મને કોઈ ખાસ ટ્રીટમેન્ટ ન મળવી જોઈએ. મને એપ્રેન્ટીસ હોસ્ટેલમાં રાખવામાં આવ્યો. મે શોપ ફ્લોર પરથી મારી કારકિર્દીનો પ્રારંભ કર્યો. એ સમયે એ પીડાદાયક લાગતું હતું પરંતુ આજે જિંદગી પર નજર કરું ત્યારે સમજાય છે કે એ અનુભવ કેટલો મહત્વનો હતો. મેં વર્ષો સુધી કર્મચારીઓ સાથે હાથમાં હાથ મિલાવીને કામ કર્યું.મને એમની જિંદગી, એમની સમસ્યાઓ અને એમના સ્વપ્નોની જાણકારી મળી. એક આત્મીય સબંધ બંધાયો..”
એ લાગણી આજીવન એમના હૈયે રહી. 2000 ના દાયકામાં વિશ્વ કરવટ બદલી રહ્યું હતું. ઉદારીકરણને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં જડમૂળથી પરિવર્તનો આવી રહ્યા હતા. એ સમયે ટાટાએ પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. કોરસ જેવી કંપની ખરીદી લીધી. આવકમાં જંગી વધારો થયો. ટાટા મોટર્સે ભારતના ઓટોમોબાઇલ ક્ષેત્રમાં શીર્ષસ્થ સ્થાન પ્રાપ્ત કર્યું.એ સમયે પણ તેમણે તેમના હજારો કર્મચારીઓની અપેક્ષાઓ અને સ્વપ્નોની અવગણના નહોતી કરી. કંપનીના વિકાસની સાથે કર્મચારીઓનો પણ વિકાસ થાય, એમને જીવન શૈલી સુધરે, એમની સુવિધાઓ વધે તે માટે તેમણે અસરકારક પગલાં લીધા. કર્મચારીઓને પોતાના પરિવારના સભ્યો માનવાની પૂર્વજોની વિરાસત તેમણે જાળવી રાખી અને એટલે જ આજે ટાટા ગ્રુપ સાથે સંકળાયેલા હજારો કર્મચારીઓ અને તેમના પરિવારજનો તેમના જીવનમાં એક કદી પૂરી ન શકાય તેવા શૂન્યાવકાશનો શોખ ભર્યો અનુભવ કરી રહ્યા છે.
કોસ્ટ કટીંગ સમયે પણ કર્મચારીઓનું ઉજવળ ભવિષ્ય સુનિશ્ચિત કર્યું
જમશેદપુરમાં ટાટા સ્ટીલ ના કર્મચારીઓને રહેઠાણ, આરોગ્ય અને તેમના બાળકો માટે શિક્ષણની સુવિધા આપવામાં આવે છે. 2000 ના દાયકા બાદ દેશના વ્યાપારિક અને ઔદ્યોગિક ક્ષેત્રમાં ‘પ્રોફેશનલિઝમ’નો
ઉદય થવા લાગ્યો હતો. કંપની અને કર્મચારીઓ વચ્ચેનું પોતીકાપણું ઘસાવા લાગ્યું હતું.એવા વાતાવરણ વચ્ચે ટાટા સ્ટીલમાં જ્યારે ખર્ચ ઘટાડવા માટે કોસ્ટ કટીંગ અનિવાર્ય બન્યું ત્યારે અન્ય ઔદ્યોગિક કંપનીઓની જેમ સામૂહિક છટણી કરવાને બદલે રતન ટાટાએ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના અમલમાં મૂકી હતી. તે અંતર્ગત વહેલી નિવૃત્તિ લેનાર કર્મચારીને તેમના પગાર કરતા 1.2 ટકા થી 1.5 ટકા વધારે પેન્શન મળે તેવી જોગવાઇ કરવામાં આવી હતી. નિવૃત્ત થયેલા કર્મચારીઓનું અને તેમના પરિવારજનોનું ભવિષ્ય ઉજ્જવળ રહે તેની ચિંતા રતન ટાટાએ કરી હતી.