અમારી ચિંતા છોડો, અમે પહેલેથી જ મજાકનું પાત્ર છીએ: મુંબઈ હાઇકોર્ટે ફિલ્મ ‘જોલી LLB 3’ સામેની અરજી ફગાવી
બોમ્બે હાઇકોર્ટે બુધવારે અક્ષય કુમાર અને અરશદ વારસી અભિનીત આગામી કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ ‘જોલી એલએલબી 3’ ના રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) ફગાવી દીધી હતી. આ અરજીમાં ફિલ્મ અને તેના પ્રમોશનલ કન્ટેન્ટમાં ન્યાયાધીશો અને વકીલોની મજાક ઉડાવવામાં આવી હોવાનો અને તેનાથી ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને આની પહોંચતી હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ અરજી પરની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અંખડની ડિવિઝન બેન્ચે ટિપ્પણી કરી કે, અમે પહેલા દિવસથી જ મજાકનો સામનો કરી રહ્યા છીએ. અમારી ચિંતા ન કરો.

આ PIL એસોસિયેશન ફોર એઇડિંગ જસ્ટિસ નામની એનજીઓ દ્વારા એડવોકેટ ચંદ્રકાંત ગાયકવાડ મારફતે દાખલ કરવામાં આવી હતી. અરજીમાં 19 મી સપ્ટેમ્બરે આ ફિલ્મના રિલીઝ પર રોક લગાવવાની તેમજ “ભાઈ વકીલ હૈ” ગીતને ડિલીટ કરવાની માંગ કરવામાં આવી હતી. અરજદારના વકીલ એડવોકેટ દિપેશ સિરોયાએ દલીલ કરી હતી કે ટ્રેલર અને ગીત બંને વકીલો ઉપરાંત ન્યાયાધીશોની પણ મજાક ઉડાવે છે. તેમણે ફિલ્મના દ્રશ્યોનો ઉલ્લેખ કર્યો, જેમાં ન્યાયાધીશોને “મામુ” જેવા અપમાનજનક શબ્દથી સંબોધવામાં આવ્યા છે, અને દલીલ કરી કે આ ફિલ્મ ન્યાયિક પ્રક્રિયાને હળવી બનાવે છે.
આ પણ વાંચો : ‘યા અલી’ ફેમ ઝુબીન ગર્ગનું નિધન : મશહુર બોલીવુડ સિંગરના અણધારી વિદાયથી ઇન્ડસ્ટ્રીમાં શોક, જાણો શું છે દુર્ઘટનાનું ચોંકાવનારું કારણ
અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે 20 ઓગસ્ટે રિલીઝ થયેલું ફિલ્મનું ટાઇટલ ટ્રેક વકીલોને “પેકેજ ડીલ પ્રોવાઇડર” તરીકે દર્શાવે છે, જે મુશ્કેલીઓ દૂર કરી શકે છે અને કાયદાકીય રીતે ગમે તેવા પરિણામો મેળવી શકે છે. આવા ચિત્રણથી અનૈતિક પ્રથાઓને મહિમા મળે છે, ભ્રષ્ટાચારને સામાન્ય બનાવવામાં આવે છે અને કોર્ટના અધિકારીઓ તરીકે વકીલોના સન્માનને ઠેસ પહોંચે છે. અરજીમાં ન્યાયાધીશોની તુલના ગેંગસ્ટર પાત્રો સાથે કરવાના કથિત સિનેમેટિક સંદર્ભોનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે બોમ્બે હાઇકોર્ટના આ નિર્ણયથી ફિલ્મના રિલીઝનો માર્ગ મોકળો થયો છે, અને હવે તે નિર્ધારિત તારીખે રિલીઝ થશે.
