નેતાઓ કલાકના દોઢ થી સાડા ત્રણ લાખ રૂપિયા ચૂકવીને હેલીકોપ્ટરમાં ઉડે છે
ચૂંટણી સિઝનમાં હેલિકોપ્ટર માલિકોને અઢળક કમાણી: દેશમાં આવા હેલીકોપ્ટરની સંખ્યા ૧૭૬ જેટલી છે
લોક્સભાની ચૂંટણીનાં બે તબક્કા પુરા થઇ ગયા છે અને હવે ત્રીજા તબક્કા માટે પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. અત્યાર સુધીના પ્રચારમાં જે સ્ટાર પ્રચારકો છે એ તમામ હેલીકોપ્ટરોમાં ઉડાઉડક રીને એક દિવસમાં ત્રણ-ચાર કે પાંચ શહેરોમાં જઈને સભા સંબોધે છે.
એક જ દિવસમાં મોટા વિસ્તારને કવર કરવા માટે તેઓ ભાડા પર હેલિકોપ્ટર સેવા લઈ રહ્યા છે. જેના કારણે હેલિકોપ્ટર સેવા આપતી કંપનીઓ મોટી કમાણી કરી રહી છે. 2008 થી હેલિકોપ્ટર સેવાઓનું સંચાલન કરી રહેલા અનિલ સિઓલકરે જણાવ્યું હતું કે, આ ચૂંટણીની સીઝનમાં અગાઉની સીઝનની તુલનામાં સમગ્ર ભારતમાં ચૂંટણી ફ્લાઇટ્સમાં વધારો જોવા મળ્યો છે.
પૂણેના બિઝનેસમેન અને ઓક્સફોર્ડ ગ્રુપના ચેરમેન અનિલ સેઓલકરે જણાવ્યું હતું કે, તેમની પાસે બે સિંગલ એન્જિન બેલ મોડલ હેલિકોપ્ટર છે. હાલમાં બંને મુખ્યત્વે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ચૂંટણી રેલીઓમાં વ્યસ્ત છે.
સિઓલકરે જાહેર કર્યું કે, ચૂંટણી દરમિયાન હેલિકોપ્ટર ભાડે લેવાનું કલાકદીઠ ભાડું રૂ. 1,50,000 થી રૂ. 2,00,000 સુધીનું સિંગલ એન્જિન હેલિકોપ્ટર અને ટ્વીન એન્જિન હેલિકોપ્ટર માટે રૂ. 3,50,000 છે.
એ જ રીતે, પુણેમાં કાગીયુ એવિએશનના ડાયરેક્ટર ઈશ્વરચંદ્ર એજીએ પણ સ્વીકાર્યું કે, આ ચૂંટણી સિઝનમાં તેમણે હેલિકોપ્ટરની માંગમાં વધારો જોયો છે. થર્ડ પાર્ટી એજન્ટો પાસે 17 હેલિકોપ્ટર અને 62 ખાનગી જેટનો કાફલો છે. આ દરેક હેલિકોપ્ટર હાલમાં ચૂંટણી સંબંધિત કામમાં લાગેલા છે.
ઈશ્વરચંદ્ર એજીએ જણાવ્યું હતું કે, “અમારા તમામ હેલિકોપ્ટર 1 માર્ચથી વ્યસ્ત છે અને ચૂંટણીના સમાપન સુધી તેમ જ રહેશે. આ મહિનાઓ દરમિયાન તેઓ રાઇડ્સ, એરિયલ ફ્લાવર શાવર અથવા એર એમ્બ્યુલન્સ સહાય જેવી અન્ય જાહેર સેવાઓ માટે ઉપલબ્ધ રહેશે નહીં. કાગ્યુ સિંગલ-એન્જિન હેલિકોપ્ટર માટે પ્રતિ કલાક રૂ. 1.20 લાખથી રૂ. 2.5 લાખ અને ટ્વીન એન્જિનવાળા હેલિકોપ્ટર માટે રૂ. 2.5 લાખથી રૂ. 7 લાખ ચાર્જ કરે છે. હાલમાં સમગ્ર ભારતમાં 200 થી વધુ હેલિકોપ્ટર છે. રાજકીય પક્ષો માટે હેલિકોપ્ટરની અછત છે. ટ્વીન-એન્જિન માટેનું બુકિંગ ગયા ડિસેમ્બરમાં જ શરૂ થયું હતું.
સત્તાવાર આંકડાઓને ટાંકીને, અનિલ સેઓલકરે જણાવ્યું હતું કે, ભારત પાસે કુલ 231 હેલિકોપ્ટર છે, જેમાંથી 176 NSOP છે, જેને ઘણીવાર ટેક્સી હેલિકોપ્ટર કહેવામાં આવે છે. આ સિવાય 37 ખાનગી હેલિકોપ્ટર અને 19 સરકારી હેલિકોપ્ટર છે. તેમણે કહ્યું, “ફક્ત NSOP હેલિકોપ્ટરનો ઉપયોગ ચૂંટણી પ્રચાર, ફૂલ નો વરસાદ કરવા, પ્રવાસન, સવારી અને કોર્પોરેટ મુસાફરી જેવા વ્યવસાયિક હેતુઓ માટે થઈ શકે છે. આ માટે તેમને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) પાસેથી પરમિટની જરૂર પડે છે. હાલમાં પુણેમાં માત્ર 6 NSOP કાર્યરત છે, જેમાંથી બે ટ્વીન એન્જિન અને ચાર સિંગલ એન્જિન હેલિકોપ્ટર છે.”
અનિલ સિઓલકરે જણાવ્યું હતું કે, પારદર્શક નાણાકીય વ્યવહારો અને ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા નિર્ધારિત નાણાકીય કાયદાઓનું પાલન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચૂંટણી સમયે રાજકારણીઓ દ્વારા બુક કરવામાં આવેલી તમામ ફ્લાઈટ્સની વિગતો ECIને આપવાની રહેશે. સલામતીના કારણોસર ટ્વીન એન્જિન હેલિકોપ્ટરની વધુ માંગ છે. ઘણીવાર સત્તામાં રહેલા પક્ષ ટ્વીન એન્જિનમાં અને વિપક્ષ સિંગલ એન્જિનમાં મુસાફરી કરે છે. હું માનું છું કે, ટ્વીન એન્જિન હેલિકોપ્ટરની જાળવણી માટે વધુ ખર્ચ થાય છે. “જોકે, ડબલ-એન્જિન હેલિકોપ્ટર સિંગલ-એન્જિન હેલિકોપ્ટર કરતાં વધુ સ્થિર છે.”
અનિલ સિઓલકરે જણાવ્યું હતું કે, આ વ્યવસાયમાં મુખ્ય પડકાર હેલિપેડ માટે મર્યાદિત જગ્યા છે. તેમણે કહ્યું કે, પુણેમાં માત્ર બેથી ત્રણ હેલિપેડ છે. જો ચૂંટણી દરમિયાન હેલિપેડ અનુપલબ્ધ હોય, તો હેલિકોપ્ટર ‘લેન્ડ, ડ્રોપ એન્ડ ગો’ પ્રક્રિયાને અનુસરશે અથવા વહીવટીતંત્ર પાસેથી એક દિવસની પરમિટ મેળવશે.
ઈશ્વરચંદ્રએ જણાવ્યું હતું કે, હેલિકોપ્ટરના વ્યવસાયમાં ઘણી મુશ્કેલીઓ છે અને જિલ્લા કલેક્ટર અથવા મેજિસ્ટ્રેટ અથવા પોલીસ કમિશનરની પરવાનગીથી ચૂંટણી પ્રચાર માટે કામચલાઉ હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે.
અનિલ સિઓલકર માને છે કે, કોર્પોરેશનોને હેલિકોપ્ટર લેન્ડ અને પાર્ક કરવાની મંજૂરી આપવાથી બિઝનેસ વધી શકે છે. અનિલ સિઓલકરે જણાવ્યું હતું કે, “પુણે માર્કેટ શેરમાં નોંધપાત્ર યોગદાન આપે છે અને ઘણા ઉદ્યોગપતિઓ ઈન્દાપુર અને સોલાપુર જેવા સ્થળોએ તેમની સુવિધાઓની મુલાકાત લેવા માટે હેલિકોપ્ટર ભાડે કરે છે. ભારતમાં પાઇલોટ્સ માટે તાલીમ કેન્દ્રોની પણ અછત છે, જે સેવાની ગુણવત્તાને અસર કરી રહી છે.