અલ્હાબાદ હાઇકોર્ટના સીટીંગ જજ સામે કાર્યવાહી કરવા વકીલ સંગઠનની માંગણી
જસ્ટિસ યાદવે કરેલા ભાષણનો મુદ્દો ગરમાયો
ન્યાયાધીશે બંધારણની હત્યા કરી હોવાનો આક્ષેપ
અલ્હાબાદ હાઇકોર્ટના સીટીંગ જજ શેખર કુમાર યાદવે પ્રયાગરાજમાં વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત કાર્યક્રમમાં કરેલા પ્રવચનને કારણે ભડકો થયો છે. તેમણે કરેલા ઉચ્ચારણો ગેર બંધારણીય અને ન્યાયાધીશ તરીકે તેમણે લીધેલા શપથના ભંગ સમાન હોવાનું ગણાવી તેમની સામે કાર્યવાહી કરવા ઓલ ઇન્ડિયા લોયરસ યુનિયન દ્વારા માંગણી કરવામાં આવી છે
જસ્ટિસ શેખર કુમાર યાદવે વિહીપના એક કાર્યક્રમમાં દેશમાં સમાન સિવિલ નાગરિક ધારાની જરૂરિયાત હોવાનું જણાવી આ દેશ બહુમતીઓની ઈચ્છા મુજબ ચાલશે તેવો ટંકાર કર્યો હતો. મુસ્લિમ સમુદાયને નિશાન બનાવી તેમણે કરેલા અન્ય ઉચ્ચારણો પણ દેખીતી રીતે જ ચર્ચાનો વિષય બન્યા હતા.
દરમિયાન ઓલ ઇન્ડિયા લોયરસ યુનિયન દ્વારા આ અંગે રાષ્ટ્રપતિ અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ને પત્ર લખી જસ્ટિસ શેખર કુમાર યાદવ સામે પગલાં લેવા માગણી કરવામાં આવી હતી. એ સંગઠનના પ્રમુખ રાજ્યસભાના સાંસદ વિકાસ રંજન અને સિનિયર ધારાશાસ્ત્રી ટીવી સુંદરનાથે જણાવ્યું કે જસ્ટિસ યાદવે કરેલા ઉચ્ચારણો બંધારણ, બંધારણના બિન સાંપ્રદાયિકતાના સિદ્ધાંતો, બંધારણના મૂળભૂત માળખા અને ન્યાયતંત્રના અપમાન સમાન હતા. તેનાથી ન્યાયતંત્રની સ્વતંત્રતા અને અસ્મિતાને હાનિ પહોંચી છે. શેખર કુમાર યાદવે હિન્દુ ધર્મના નામે લઘુમતી મુસ્લિમ સમાજ સામે હેટ સ્પીચ આપી હોવાની પત્રમાં ફરિયાદ કરવામાં આવી છે.
જસ્ટિસ શેખર કુમાર યાદવે કરેલા આરોપો અને તેમની અભિવ્યક્તિ મુસ્લિમો સામેના દ્વેષભર્યા અને ઝેરી પ્રકૃતિના હોવાનો પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમાં લખાયું છે કે લોકશાહી ન તો બહુમતવાદી છે કે ન ધાર્મિક બહુમતવાદી. બંધારણીય અદાલતના સીટીંગ ન્યાયાધીશના આ નિવેદનો પદના બંધારણીય શપથના ઉલ્લંઘન સમાન હોવાની પત્રમાં ફરિયાદ કરવામાં આવી હતી.
આ જજ પાસેથી ન્યાયની શું અપેક્ષા રાખવી? બ્રિન્દા કરાત
સીપીએમના પોલિટબ્યુરો મેમ્બર બ્રિન્દા કરાતે પણ
ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાને પત્ર લખી જસ્ટિસ શેખર કુમારી યાદવ સામે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે વિહીપના કાર્યક્રમમાં યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ કાનુન અંગે ચર્ચા થવાની હતી. એ કાર્યક્રમમાં એક સિનિયર જસ્ટિસ ઉપસ્થિત રહી શકે કે કેમ તે મૂળભૂત સવાલ છે. જસ્ટિસ યાદવે તેમના ઉચ્ચારણો દ્વારા બંધારણ પર હુમલો કર્યો હોવાનું તેમણે આક્ષેપ કર્યો હતો. એક સમુદાય માટે આવા નિવેદનો કરનાર ન્યાયાધીશ પાસેથી ન્યાયની અપેક્ષા કઈ રીતે રાખી શકાય તેવો સવાલ તેમણે કર્યો હતો.