આપણા ચંદ્રયાન 3એ ચંદ્રમાની કેટલીક નવી તસવીરો મોકલી છે. ઈસરોએ આજે એક વીડિયો ટ્વીટ કર્યો છે. કહ્યું કે મિશન એકદમ નિર્ધારિત સમય પર છે. તમામ સિસ્ટમની સારી રીતે તપાસ થઈ રહી છે. લેન્ડર વિક્રમ પોતાના લક્ષ્યાંક તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ઈસરોએ ટ્વીટ કરીને કહ્યું કે બેંગ્લુરુમાં મિશન ઓપરેશન કોમ્પલેક્સ (MOX) માં જોશ ભરેલો છે અને અહીં જબરદસ્ત ઉત્સાહનો માહોલ છે.
આ વીડિયોમાં ચંદ્રની સપાટી અંગે ઈસરોએ જાણકારી આપી છે. ભારતીય અંતરીક્ષ એજન્સીએ કહ્યું કે લેન્ડર વિક્રમનું ચંદ્રની સપાટી પર લેન્ડિંગનું લાઈવ ટેલિકાસ્ટ આવતી કાલે સાંજે 5.20 વાગ્યાથી કરવામાં આવશે.
ઈસરોએ જણાવ્યું કે લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC) દ્વારા ચંદ્રની અનેક તસવીરો લેવામાં આવી છે. ઈસરોએ જણાવ્યું કે 19 ઓગસ્ટના રોજ લેવાયેલી આ તસવીરો ચંદ્રની સપાટીથી 70 કિલોમીટર ઉપરથી લેવાઈ હતી. એજન્સીએ જણાવ્યું કે LPDC લેન્ડર મોડ્યૂલને ઊંચાઈનો અંદાજો બતાવતું રહે છે. જેથી કરીને લેન્ડ કરતા પહેલા વિક્રમ આ ડેટાને પોતાના મેપથી મિલાન કરી શકે.
લેન્ડર વિક્રમ 23 ઓગસ્ટના રોજ સાંજે 6.04 વાગે ચંદ્રની સપાટી પર ઉતરશે. બેંગ્લુરુના MOX માં તમામ વૈજ્ઞાનિકો અંતિમ તૈયારીઓમાં લાગ્યા છે. ઈસરોએ કહ્યું કે તમામ તૈયારીઓની અંતિમ તપાસ થઈ રહી છે. ત્યારબાદ મિશનનું ફાઈનલ કાઉન્ટડાઉન શરૂ થઈ જશે. ઈસરો ચીફ એસ સોમનાથે કહ્યું કે ટીમ હવે અંતિમ તબક્કામાં લાગી છે. તેમણે કહ્યું કે દરેક ચીજને તપાસવામાં આવી રહી છે. હાલ વિક્રમ લેન્ડર 25 km x 134 km ઓર્બિટમાં ઘૂમી રહ્યું છે. આ જ 25 કિમીની ઊંચાઈથી તે નીચેની તરફ જવાનું છે.
પૂરેપૂરી કરાઈ છે તૈયારીઓ
ગત વખતે ચંદ્રયાન 2 પોતાની વધુ ગતિ અને સોફ્ટવેરમાં ગડબડી અને એન્જિન ફેલ્યોરના કારણે ક્રેશ થઈ ગયું હતું. આ વખતે એવી ભૂલ ન થાય તે માટે ચંદ્રયાન 3માં અનેક પ્રકારના સેન્સર્સ અને કેમેરા લગાવવામાં આવ્યા છે. LHDAC કેમેરા ખાસ કરીને આ કામ માટે બનાવવામાં આવ્યા છે કે કેવી રીતે વિક્રમ લેન્ડરને સુરક્ષિત ચંદ્રની સપાટી પર ઉતારવામાં આવે. આ સાથે જ કેટલાક પેલોડ્સ લેન્ડિંગ સમયે મદદ કરશે. જેમાં લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC), લેઝર અલ્ટીમીટર (LASA), લેઝર ડોપલર વેલોસિટીમીટર (LDV) અને લેન્ડર હોરીઝોન્ટલ વેલોસિટી કેમેરા (LHVC) મળીને કામ કરશે. જેથી કરીને લન્ડરને સુરક્ષિત રીતે સપાટી પર ઉતારી શકાય.
કેવું હશે ચંદ્રયાન-3નું લેન્ડિંગ
- વિક્રમ લેન્ડર 25 કિલોમીટરની ઊંચાઈથી ચંદ્રની સપાટી પર ઉતરવાની યાત્રા શરૂ કરશે. આગામી સ્ટેજ સુધી પહોંચવામાં તેને લગભગ 11.5 મિનિટ લાગશે. એટલે કે 7.4 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી.
- 7.4 કિમી ની ઊંચાઈ પર પહોંચવા સુધીમાં તેની ગતિ 358 મીટર પ્રતિ સેકન્ડની રહેશે. આગામી પડાવ 6.8 કિલોમીટર રહેશે.
- 6.8 કિમીની ઊંચાઈ પર સ્પીડ ઓછી કરીને 336 મીટર પ્રતિ સેકન્ડ થઈ જશે. આગામી પડાવ 800 મીટર રહેશે.
- 800 મીટરની ઊંચાઈ પર લેન્ડર સેન્સર્સ ચંદ્રની સપાટી પર લેઝર કિરણ નાખીને લેન્ડિંગ માટે યોગ્ય જગ્યા શોધશે.
- 150 મીટરની ઊંચાઈ પર લેન્ડરની ગતિ 60 મીટર પ્રતિ સેકન્ડ રહેશે. એટલે કે 800 થી 150 મીટરની ઊંચાઈ વચ્ચે.
- 60 મીટરની ઊંચાઈ પર લેન્ડરની સ્પીડ 40 મીટર પ્રતિ સેકન્ડ રહેશે. એટલે કે 150 થી 60 મીટરની ઊંચાઈ વચ્ચે.
- 10 મીટરની ઊંચાઈ પર લેન્ડરની સ્પીડ 10 મીટર પ્રતિ સેકન્ડ રહેશે.
- ચંદ્રમાની સપાટી પર ઉતરતી વખતે એટલે કે સોફ્ટ લેન્ડિંગ માટે લેન્ડરની સ્પીડ 1.68 મીટર પ્રતિ સેકન્ડ રહેશે.
