Kolkata rape case : તબીબો ફરજ પર પરત ફરે, તેમની સામે પગલાં નહીં લેવાય ; સુપ્રીમ કોર્ટ
કોલકત્તા આરજી કર હોસ્પિટલ માં થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસની સુનાવણી દરમિયાન ભભિબોની સલામતી અને તબીબોએ પાડેલી હડતાલનો મુદ્દો વારંવાર ચર્ચામાં આવ્યો ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે કહ્યું કે અદાલત અને તબીબો કદી પોતાનું કામ બંધ ન રાખી શકે. તેમણે કહ્યું કે ગરીબ દર્દીઓને તેમના નસીબ ઉપર ન છોડી શકાય. તેમણે હડતાલીયા તબીબોને ફરજ પર પરત ફરવા માટે અનુરોધ કર્યો હતો અને સાથે જ તેમની સામે કોઈ પગલાં નહીં લેવાય તેવી ખાતરી પણ આપી હતી.
સુનાવણી ના પ્રારંભે આંદોલનકારી તબીબોના વકીલે કહ્યું કે નાગપુરમાં હડતાલ ઉપર ઉતરેલા તબીબોની ગેરહાજરી ગણવામાં આવે છે.તેના જવાબમાં ચીફ જસ્ટિસે કહ્યું કે જો તેઓ ફરજ ઉપર હાજર હશે તો ગેરહાજરી નહી પુરાય પણ જો તેઓ ફરજ પર હાજર ન થાય હોય તો કાયદા મુજબ પગલાં લેવામાં આવશે.ચંદીગઢના તબીબોના વકીલે પણ એ જ હેતુની રજૂઆત કરી હતી.ચીફ જસ્ટિસે કહ્યું કે હજારો દર્દીઓ હેરાન થઈ રહ્યા છે ત્યારે એ બધાને ફરજ સંભાળી લેવા કહો.જો તબીબો કામ ન કરે તો જાહેર આરોગ્ય તંત્ર કામ કઈ રીતે કરી શકે.એક વખત તબીબો કામ શરૂ કરી દે તે પછી તેમની સામે કોઈ કડક પગલાં ન લેવા નિર્દેશ આપવાની તેમણે ખાતરી આપી હતી.
ચીફ જસ્ટીસે કહ્યું કે સમગ્ર ભારતમાં તબીબોની સુરક્ષા સલામતી તેમ જ માળખાગત સુવિધાઓ અંગે એક કોમન પ્રોટોકોલ સ્થાપવાના હેતુથી જ નેશનલ ટાસ્ક ફોર્સ ની રચના કરવામાં આવી છે. ટાસ્ક ફોર્સ દ્વારા એક પોર્ટલ પણ ઊભું કરવામાં આવશે જેમાં તબીબો સહિતના લોકો પોતાની સમસ્યાઓ તેમજ તેમાં સમાધાન અંગે રજૂઆત કરી શકશે.
હોસ્પિટલોની હાલત જાણું છું.હું પોતેજમીન ઉપર સૂતો છું: ચીફ જસ્ટિસ
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન રેસીડેન્ટ ડોક્ટર્સ વતી દલીલ કરતા કાઉન્સિલરે હોસ્પિટલોની કંગાળ હાલત, તબીબોના કામના કલાકો વગેરેનું વર્ણન કરી સર્વોચ્ચ અદાલત દ્વારા રચવામાં આવેલ નેશનલ ટાસ્ક ફોર્સમાં રેસીડેન્ટ ડોકટરોને પણ સ્થાન આપવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે તબીબોને સળંગ 48 કામ કરવું પડે છે.એ તબક્કે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે નેશનલ ટાસ્ક ફોર્સમાં બધાને સ્થાન આપીશું તો કામ થઈ જ નહીં શકે. એક ટાસ્ક ફોર્સમાં સમાવવામાં આવેલા તમામ તબીબો આ બધી મુશ્કેલીઓ અનુભવી ચૂક્યા છે અને સમસ્યાને ખૂબ સારી રીતે સમજે છે. બાદમાં તેમણે કહ્યું કે હું પણ આ સમસ્યાઓ જાણું છું. તબીબોને 36 કલાક કામ કરવું પડે છે. હું પણ મારા એક સંબંધી બીમાર હતા ત્યારે હોસ્પિટલમાં જમીન ઉપર સૂતો છું.
તુષાર મહેતા અને સિબ્બલ વચ્ચે તડાફડી
કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતા અને પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારના વકીલ વચ્ચે અનેક વખત તડાફડી બોલી ગઈ હતી.મહિલા તબીબના મૃત્યુને ક્યારે અકુદરતી મૃત્યુ જાહેર કરાયું તે મુદ્દે સર્વોચ્ય અદાલતે પણ તીખા સવાલો કર્યા હતા.કપિલ સિબ્બલે કહ્યું કે સવારે 10:15 વાગ્યે અકુદરતી મૃત્યુ જાહેર કરવામાં આવ્યું હતું.જો કે તુષાર મહેતાએ કેશ ડાયરીમાં અલગ સમય હોવાનો દાવો કર્યો હતો. એ તબક્કે કપિલ સિબ્બલે કહ્યું કે જનરલ કેસ ડાયરીમાં સવારે 10 15 વાગ્યાનો સમય નોંધાયો છે. તુષાર મહેતાએ અદાલતને કેસ ડાયરીની પસંદગીની વિગતો જ રજૂ કર્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.બાદમાં અદાલતે પણ કપિલ સિબ્બલની વાતને ઉચિત ઠેરવી હતી અને એફઆઇઆર માં સમગ્ર ઘટનાક્રમનો ઉલ્લેખ હોવાનું જણાવ્યું હતું. બાદમાં કપિલ સિબ્બલે રાજ્ય સરકાર વતી હોસ્પિટલની તોડફોડ પ્રકરણમાં થયેલ તપાસનો અહેવાલ રજૂ કર્યો હતો.એ તકે સર્વોચ્ચ અદાલતે શાંત પ્રદર્શનકારીઓ સામે કોઈ પગલાં ન લેવા ફરી એક વખત રાજ્ય સરકારને સૂચના આપી હતી. કપિલ સિબ્બલે તોફાનોની તસવીરો રજૂ કરીને એવા સંજોગોમાં પણ રાજ્ય સરકાર કાંઈ પગલા લઈ શકે કે નહિ તે અંગે ચોખવટ કરવા અદાલતને વિનંતી કરી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે અમે રાજ્ય સરકારની સત્તા ઉપર કોઈ તરાપ નથી લગાવવા માગતા. પણ શાંત પ્રદર્શનકરીઓ સામે પગલાં નહીં લઈ શકાય. અદાલતની એ ટિપ્પણી પછી તુષાર મહેતાએ કહ્યું કે સરકારનો વિરોધ કરનારની આંગળી કાપી નાખવાની પશ્ચિમ બંગાળના મંત્રી ધમકી આપે છે. વળતા જવાબમાં સિમ્બલે કહ્યું કે વિપક્ષના નેતા તો એસિડ બોમ્બ ફેંકવાનું અને ગોળીઓ છોડવાનું આહવાન કરે છે.આ દલીલબાજી અટકાવી અદાલતે આ મુદ્દે રાજકારણ ન રમવા બન્ને પક્ષને અનુરોધ કર્યો હતો.
કાદવ ઉછાળવાનું છોડો અને તપાસમાં શું નીકળ્યું તે જણાવો:સિબ્બલનો ટોણો
સીબીઆઇએ આ કેસમાં રાજ્ય સરકાર ભીનુ સંકેલવા માગતી હોવાનો આક્ષેપ કર્યો હતો. અપરાધના સ્થળે બધું બદલાઈ ગયું હોવાનો દાવો કરાયો હતો. અકુદરતી મૃત્યુ ક્યારે નોંધાયું અને ક્યારે ફરિયાદ નોંધાઇ તે અંગે લાંબી દલીલો થઈ હતી. રાજ્ય સરકારના વકીલ કપિલ સિમ્બલે કહ્યું કે આખી ઘટનાની ટાઈમ લાઈન કેસ ડાયરીમાં છે. બધું નિયમાંનુસાર થયું છે. જોકે ચીફ જસ્ટિસે પણ અગ્નિસંસ્કાર થયાના ત્રણ કલાક પછી ફરિયાદ કેમ નોંધાઈ તે પ્રશ્ન ફરી એક વખત દોરાવ્યો હતો. સીબ્બલે જવાબમાં કહ્યું કે પીડિતાના પિતાએ ફરિયાદ કરતા અટકાવ્યા હતા અને પોતે જ લેખિત ફરિયાદ કરશે તેવું જણાવ્યું હતું. આ બધી દલીલો વચ્ચે કપિલ સિબલે સીબીઆઇને કાદવ ઉછાળવાનું બંધ કરીને આટલા દિવસની તપાસનું પરિણામ શું આવ્યું તે જાહેર કરવા અનુરોધ કર્યો હતો. જોકે તુષાર મહેતાએ વળતો કટાક્ષ કર્યો કે અમે કાદવ ઉછાળતા નથી પરંતુ કાદવ બહાર કાઢીએ છીએ.
ગેંગ રેપ નથી: સૂત્રોના હવાલાથી દાવો
સિબીઆઈ એ ગુરુવારે બંધ કવરમાં તપાસનો સ્ટેટ્સ રિપોર્ટ સર્વોચ્ય અદાલતને સુપ્રત કર્યો હતો.ન્યાયાધીશોને તે જોયા બાદ સુનાવણીના અંતે ફરી સિલ કરી દીધો હતો.એ રીપોર્ટની વિગતો જાહેર નથી થઈ પણ’ ઈન્ડીયા ટુ ડે ‘ એ સીબીઆઇ ના વિશ્વાસપાત્ર સૂત્રો નો હવાલો આપી આ ઘટના ગેંગ રેપની ન હોવાનું
તારણ રજૂ કર્યું હતું.એ અહેવાલમાં જણાવ્યા મુજબ ફોરેન્સિક રિપોર્ટમાં પોલીસે ધરપકડ કરેલા સંજય રોયની એકલાની જ સંડોવણી હોવાનું ખુલ્યું હતું.