બૉલીવુડના કિંગ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો કોણ છે શાહરુખ ખાનને ધમકી આપવા વાળો શખ્સ
સલમાન ખાન બાદ હવે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. શાહરૂખને ધમકી મળ્યા બાદ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે પોલીસે કોલ ટ્રેસ કર્યો તો તે રાયપુરનો હોવાનું બહાર આવ્યું, ત્યારબાદ પોલીસની ટીમ રાયપુર ગઈ. વધુ તપાસ હજુ ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધમકીભર્યો કોલ ફૈઝાન નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો, જે રાયપુરનો રહેવાસી હોવાનું કહેવાય છે. હાલમાં મુંબઈ પોલીસ ફૈઝાનની શોધમાં રાયપુર જવા રવાના થઈ ગઈ છે.
મુંબઈ પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. શાહરૂખ ખાનને આ ધમકી આપવા પાછળનો હેતુ જાણવામાં આવી રહ્યો છે. મુંબઈ પોલીસની એક ટીમ રાયપુર પહોંચી ગઈ છે. ત્યાં આ ટીમ મામલાની તપાસ કરશે. બાંદ્રા પોલીસ સ્ટેશનમાં શાહરૂખ ખાન માટે ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે જો શાહરૂખ ખાન પોતાનો જીવ બચાવવા માંગતો હોય તો અમને કરોડો રૂપિયા આપો. અન્યથા તેમને પરિણામ ભોગવવા પડશે અને ત્યારબાદ કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. આરોપીએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. તેનું લોકેશન શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મુંબઈ પોલીસે તરત જ આ કેસ નોંધ્યો હતો. આરોપીઓ પર ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(4) અને 351(3)(4) લગાવવામાં આવી છે. મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આરોપીને જલ્દી જ પકડી લેવામાં આવશે. આ ધમકીભર્યા કોલ બાદ ઈન્ડસ્ટ્રીમાં ભયનો માહોલ છે. શાહરૂખ થોડા દિવસો પહેલા સલમાન ખાનને પણ મળ્યો હતો અને બંને સ્ટાર્સ નજીકમાં જ રહે છે. પોલીસે મન્નતની બહાર બેરિકેડ લગાવ્યા છે. શાહરૂખની સુરક્ષા વધારવામાં આવશે. હજુ સુધી વધારાની સુરક્ષાની કોઈ માંગ કરવામાં આવી નથી. બોડીગાર્ડ હંમેશા તેની સાથે હોય છે. શક્ય છે કે શાહરૂખ ખાનની સુરક્ષા પણ વધારી દેવામાં આવે.
શાહરૂખને આ પહેલા પણ મળી ચુકી છે ધમકી
આ પહેલા પણ તેને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચુકી છે. યાદ કરો કે ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ ‘પઠાણ’ અને ‘જવાન’ની સફળતા બાદ તેને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. તેણે આ અંગે મહારાષ્ટ્ર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ તેને Y+ સુરક્ષા આપવામાં આવી હતી.