બહુ વખણાયેલી કેજરીવાલની કામગીરીનો પર્દાફાશ : 6 વર્ષના શાસનમાં આરોગ્ય સેવાઓ તળિયે પહોંચી, કેગના રિપોર્ટમાં ખુલાસો
બહુ વખણાયેલી કેજરીવાલ અને તેમની સરકારની આરોગ્ય લક્ષી સેવાઓની પોલ કેગ દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટમાં ખોલી નાખવામાં આવી છે. એ રિપોર્ટમાં છેલ્લા છ મહિના દરમિયાન થયેલી આર્થિક ગેરવ્યવસ્થા, બેદરકારી અને જવાબદારીના અભાવ જેવા પરિબળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
દિલ્હી વિધાનસભામાં રજૂ થનાર આ અહેવાલે કેજરીવાલના પ્રચારનો પરપોટો ફોડી નાખ્યો છે. અહેવાલમાં જણાવ્યા મુજબ દિલ્હીની હોસ્પિટલો અને મહોલ્લા ક્લિનિકોમાં નહોતા પૂરતા તબીબી સાધનો, નહોતા પૂરતી સંખ્યામાં કર્મચારીઓ અને ન્હોતી પર્યાપ્ત સુવિધાઓ.ત્યાં સુધી કે ઈમરજન્સી ફંડનો ઉપયોગ કરવામાં પણ કેજરીવાલ સરકાર ઉણી સાબિત થઈ હતી. કેટલાક મહોલ્લા ક્લિનિક્સ અને આયુષ દવાખાનાઓમાં ટોયલેટ અને ચેકઅપ બેડ જેવી
પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોવાનું આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
તેમાં થયેલા પર્દાફાશ અનુસાર વિવિધ હોસ્પિટલો અને મહોલ્લા ક્લિનિક્સમાં નર્સની 25 ટકા અને પેરામેડિકલ સ્ટાફની 32 ટકા ઘટ હતી. કેટલીક હોસ્પિટલો અને દવાખાનાઓમાં તો 50 થી 96 ટકા જેટલો ઓછો સ્ટાફ હતો.
રાજીવ ગાંધી અને જનકપુરી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર અને આઈસીયુ બેડ ઉપયોગ કર્યા વગરના પડ્યા રહ્યા હતા. દિલ્હી સરકારે વિવિધ હોસ્પિટલોમાં નવી 36,000 પથારીઓ વધારવાનું વચન આપ્યું હતું પરંતુ માત્ર 1,357 પથારી જ વધારી શકાઈ હતી. લોક નાયક હોસ્પિટલમાં જનરલ સર્જરી માટે પણ દર્દીઓને બે થી ત્રણ મહિના સુધી પ્રતીક્ષા કરવી પડતી હતી.
ક્રિટિકલ મેડિકલ સર્વિસમાં ધબડકો
- દિલ્હીની 27 માંથી 14 હોસ્પિટલમાં આઈસીયુની વ્યવસ્થા નહોતી.
- 18 હોસ્પિટલોમાં બ્લડ બેન્ક નથી
- 8 હોસ્પિટલોમાં ઓક્સિજનના પુરવઠા ની વ્યવસ્થા નથી
- 12 હોસ્પિટલો પાસે તો એમ્બ્યુલન્સ પણ નથી
- 15 હોસ્પિટલમાં શબઘરની સુવિધા નથી
કરોડોનું ભંડોળ વાપર્યા વગરનું પડ્યું રહ્યું
કોવિડ મહામારી સમયે ફાળવવામાં આવેલ 787.91
કરોડની રકમમાંથી માત્ર 582.84 કરોડનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. 30.52 ટકા કર્મચારીઓને પગાર નહોતો ચૂકવાયો. પીપીઈ કીટ અને જરૂરી દવાઓ માટે ફાળવવામાં આવેલ 83.14 કરોડની રકમ ઉપયોગ કર્યા વગરની પડી રહી હતી. હોસ્પિટલો માટેના વિવિધ પ્રોજેક્ટોના અમલમાં થયેલા વિલંબને કારણે 382.51 કરોડનું વધારાનું ભારણ આવ્યું હતું.