કેજરીવાલે ‘રેવડી પર ચર્ચા’નામે પ્રચારનું બ્યુગલ ફૂંક્યું
દિલ્હીમાં આવતા વર્ષે યોજાનારી ધારાસભાની ચૂંટણી માટે 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે શુક્રવારે વિધિવત પ્રચારનો પ્રારંભ કર્યો હતો. તેમણે આમ આદમી પાર્ટીના પ્રચાર ને ‘ રેવડી પર ચર્ચા ‘ નામ આપ્યું હતું.દિલ્હી સરકારની ફ્રી યોજનાઓને ભાજપે ‘ રેવડી ‘ નામ આપ્યું હોવાથી કેજરીવાલે તેનો ઉપહાસ કરવા માટે ‘ રેવડી પર ચર્ચા ‘ નામ આપ્યું હતું.
તેમણે કહ્યું કે તેમની પાર્ટીના 65000 કાર્યકરો ઘરે ઘરે જઈ અને પત્રિકાઓ દ્વારા તથા સંવાદ દ્વારા ભાજપ જેને રેવડી કહે છે એ કલ્યાણકારી યોજનાઓની એક એક નાગરિકને માહિતી આપશે. એ તકે તેમણે સાત રેવડીની જાહેરાત કરી હતી જેમાં વીજળી,પાણી,મહોલ્લા ક્લિનિક માં મફત તબીબી સેવા,મહિલાઓ માટે બસમાં મફત મુસાફરી,યાત્રા પ્રવાસ તથા વરિષ્ઠ મહિલાઓને માસિક એક હજાર રૂપિયા આપવાની યોજનાઓનો સમાવેશ થાય છે.તેમણે કહ્યું કે ભાજપની 20 રાજ્યોમાં સરકાર છે છતાં એક પણ રાજ્યમાં દિલ્હી જેવી ‘ રેવડી ‘ આપી શકી નથી કારણકે કલ્યાણકારી યોજનાઓમાં ભાજપને રસ નથી.ભાજપે આમ આદમી પાર્ટીની સરકાર ઉપર અંકુશ મૂકી દિલ્હીના વિકાસને રોક્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.