કેજરીવાલને કોર્ટથી શું લાગ્યો ઝટકો ? વાંચો
કેટલા દિવસ વધી કસ્ટડી ?
દિલ્હીના બહુચર્ચિત દારૂનીતિ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર ગુરુવારે રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જો કે એમને રાહત મળી નહતી અને કોર્ટે 1 લી એપ્રિલ સુધી ઇડીની કસ્ટડી વધારી દીધી હતી. આમ હજુ 4 દિવસ કેજરીવાલ કસ્ટડીમાં રહેશે. ઇડીની વધુ 7 દિવસની રિમાન્ડની માંગ અંગે કલાકો સુધી બંને પક્ષે લાંબી દલીલો થઈ હતી.
કેજરીવાલે પણ કોર્ટમાં પોતાની જુબાની આપી હતી. એમણે એવો સવાલ કર્યો હતો કે મારી ધરપકડ શા માટે થઈ છે તે સમજાતું નથી. કોઈ કોર્ટે મને દોષિત જ ગણ્યો નથી. ઇડીએ કહ્યું હતું કે કેજરીવાલે 100 કરોડની લાંચ માંગી હતી.
ગુરુવારે કસ્ટડીની મુદત પૂરી થઈ હતી અને કેજરીવાલને પીએમએલએ કોર્ટમાં રજૂ કરાયા હતા. ઇડીએ ફરી એકવાર 7 દિવસ માટે રિમાંડની માગ કરી હતી. ઈડીએ દાવો કર્યો હતો કે હજુ કેજરીવાલનો અન્ય આરોપીઓ સાથે આમનો સામનો કરાવવાનું બાકી છે. કેજરીવાલ તપાસમાં સહકાર આપતા નથી.
આ દરમિયાન સુનાવણી પૂરી થતાં ઈડીની કસ્ટડીની માગ પર કોર્ટે ચુકાદો અનામત રાખી લીધો હતો. અને થોડીવાર પછી ચુકાદો સંભળાવતા કોર્ટે કેજરીવાલના રિમાંડમાં 4 દિવસનો વધારો કરતાં તેમને 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા.
આપને ખતમ કરવાનું ષડયંત્ર : કેજરી
અદાલતમાં કેજરીવાલ પોતે જ વકીલ બની ગયા હતા અને દલીલો કરી હતી. કોર્ટમાં બોલવા દેવાની એમણે મંજૂરી માંગી હતી. એમણે કહ્યું હતું કે તપાસ માટે ઈડીના અધિકારીઓનો આભાર. પણ મને કેમ પકડ્યો છે તે મને સમજાતું નથી? બે વર્ષથી આ બધુ ચાલે છે. કોઈ કોર્ટે અત્યાર સુધી મને દોષિત નથી માન્યો. મારી સામે કોઈ આરોપો નથી. કેજરીવાલે આ દરમિયાન મોટો આરોપ મૂકતાં કહ્યું કે અમારા વિરોધીઓ આમ આદમી પાર્ટીને તોડીને તેને ખતમ કરવા માગે છે. ઇડીનો માત્ર એક જ ગોલ હતો અને તે મારી ધરપકડ કરવાનો.
તપાસમાં સહકાર આપતા નથી કેજરીવાલ: ઇડી
કોર્ટમાં સુનાવણી દરમિયાન ઇડી વતી એએસજી રાજુએ કહ્યું હતું કે કેજરીવાલ તપાસમાં સહકાર આપતા નથી. આઇટીઆરની જાણકારી પણ આપતા નથી. અમે ગોવાના નેતાઓનો આમનો સામનો કરાવવા માંગીએ છીએ. કેજરીવાલે 100 કરોડની લાંચ માંગી હતી. ગોવા હવાલાથી નાણા મોકલાયા હતા. જેનો ઉપયોગ ચુંટણીમાં કરાયો હતો. એ જ રીતે કેજરીવાલ ડિવાઈસનો પાસવર્ડ પણ આપતા નથી. એમના તરફથી તપસસમાં સહકાર મળતો નથી.