કેજરીવાલે ઇડી નું છઠ્ઠું સમન્સ પણ ઠુકરાવ્યું, જુઓ શું કહ્યું
દિલ્હીના મુખ્યમંત્રી અને ઇડી વચ્ચે સંતાકૂકડીનો ખેલ
દિલ્હી લીકર પોલિસી કેસમાં પૂછપરછ માટે ઉપસ્થિત થવાનું ઇડીનું છઠ્ઠું સમન્સનું પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઠુકરાવ્યું હતું. આમ આદમી પાર્ટી એ ઈડીના સમન્સ ગેરકાયદે હોવાનું રટણ જારી રાખ્યું હતું અને આ મામલો અદાલતમાં હોવાથી ઉપરાછાપરી સમન્સ મોકલવાને બદલે ઇડી એ અદાલતના ચુકાદાની રાહ જોવી જોઈએ તેવી સલાહ આપી હતી.
ઈડી એ આ અગાઉ 14મી ફેબ્રુઆરીએ સમન્સ મોકલી કેજરીવાલને 19 મી તારીખે ઉપસ્થિત થવા જણાવ્યું હતું.આ અગાઉ ના પાંચ સમન્સ કેજરીવાલે અવગણ્યા બાદ ઇડી એ કરેલી ફરિયાદના અનુસંધાને દિલ્હીની અદાલતે કેજરીવાલને અદાલતમાં હાજર રહી સમન્સનો અમલ ન કરવાના કારણો દર્શાવવા માટે જણાવ્યું હતું. જોકે દિલ્હી વિધાનસભામાં વિશ્વાસના પ્રસ્તાવનું બહાનું કાઢી કેજરીવાલ અદાલત સમક્ષ વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. બાદમાં અદાલતે તેમને 16મી માર્ચે ઉપસ્થિત થવાનો આદેશ કર્યો હતો. ઇડીના સમન્સનો અનાદર કરવા બદલ કેજરીવાલ સામે કામ ચાલી શકે છે એવી જોકે અદાલતે તે સમયે ટિપ્પણી કરી હતી.નોંધનીય છે કે દિલ્હી લીકર કેસમાં દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા તેમ જ રાજ્યસભાના સાંસદ સંજય સિંહ હાલ જેલમાં છે અને કેજરીવાલ પણ પોતાની ધરપકડ થશે તેવો ભય જાહેરમાં દર્શાવતા રહ્યા છે.
ઇડી એ પહેલું સમન્સ નવેમ્બરમાં મોકલ્યું હતું
અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે ઉપસ્થિત થવાનું પહેલું સમન્સ ઇડીએ બીજી નવેમ્બરના રોજ મોકલ્યું હતું. એ વાતને સાડા ત્રણ મહિના થઈ ગયા અને ત્યારથી ઈડી અને કેજરીવાલ વચ્ચે સંતાકુકડી નો ખેલ ચાલી રહ્યો છે. બાદમાં ઇડી એ 22 ડિસેમ્બર, 3 જાન્યુઆરી, 11 જાન્યુઆરી, બીજી ફેબ્રુઆરી અને 14 ફેબ્રુઆરીએ સમન્સ મોકલ્યા હતા અને છતાં કેજરીવાલ એક પણ વખત ઉપસ્થિત નથી રહ્યા.
કેજરીવાલ ની ધરપકડ પણ થઈ શકે છે
આ મુદ્દે હવે નવો કાનૂની જંગ મંડાશે તેવા એંધાણ છે. કેજરીવાલે છઠ્ઠું સમન્સ પણ ઠુકરાવ્યા બાદ તપાસનીશ એજન્સી જામીન લાયક વોરંટ મેળવી શકે છે. તે પછી પણ કેજરીવાલ ઉપસ્થિત ન થાય તો બિનજામીન લાયક વોરંટ અને ધરપકડ સુધીના પગલાં લેવાઇ શકે છે.ઇડી તેમના નિવાસ્થાન ઉપર જઈને પણ પૂછપરછ કરી શકે છે. બીજી તરફ કેજરીવાલ તેમની સામેના જામીનલાયક કે બિનજામીન લાયક વોરંટને અદાલતમાં પડકારી શકે છે અને અદાલતને યોગ્ય લાગે તો તેમની ધરપકડ ન કરવા માટે ઈડીને નિર્દેશ આપી શકે છે.