કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલા સૈનિકે મારી થપ્પડ
ચંદીગઢ એરપોર્ટ પર મોટી બબાલની ઘટના સામે આવી છે. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ભાજપની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયેલી કંગના રનૌત સાથે ચંદીગઢ એરપોર્ટ પર CISFની એક મહિલા સૈનિકે થપ્પડ મારી છે.કંગના રનૌતે આ મામલે ફરિયાદ કરી છે અને મહિલા જવાનને નોકરીમાંથી હટાવવાની અને તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. કંગનાને મારનાર સૈનિકનું નામ કુલવિંદર કૌર હોવાનું કહેવાય છે. ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌત ભાજપની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી જવા રવાના થઈ હતી.
ચંદીગઢ એરપોર્ટ પર બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે. સાંસદે આપેલી ફરિયાદમાં એ વાત સામે આવી છે કે કંગના ચંડીગઢ એરપોર્ટ પર પહોંચી હતી. જ્યારે તે સિક્યોરિટી ચેક-ઈન પછી બોર્ડિંગ માટે જઈ રહી હતી ત્યારે LCT કુલવિંદર કૌર (CISF યુનિટ ચંદીગઢ એરપોર્ટ)એ તેને થપ્પડ મારી હતી. જે બાદ કંગના રનૌત સાથે મુસાફરી કરી રહેલા મયંક મધુર નામના વ્યક્તિએ કુલવિંદર કૌરને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી CISF જવાનોને કસ્ટડીમાં લેવામાં આવી છે.
અત્રે ઉલ્લખનીય છે કંગના રનૌત આ લોકસભા ચૂંટણી હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ વતી લડી હતી. અભિનેત્રીની સામે કોંગ્રેસ પાર્ટીના નેતા વિક્રમાદિત્ય સિંહ હતા. કંગનાએ તેને 74,755 વોટથી હરાવ્યા હતા.
