ન્યાયાધીશો યાત્રાળુ જેવા છે જે દરરોજ સેવાની પ્રતિબદ્ધતા સાથે કોર્ટમાં આવે છે
વિદાયમાન સમારોહમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડનું ભાવસભર ઉદબોધન
બે વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વના ચુકાદા આપ્યા
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને શુક્રવારે તેમના કાર્યકાળના અંતિમ દિવસે ભવ્ય વિદાયમાન આપવામાં આવ્યું હતું. તેમણે 9 નવેમ્બર 2022 ના રોજ ચીફ જસ્ટિસ પદ ગ્રહણ કર્યું હતું અને તેમના બે વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે અનેક મહત્વના ચુકાદાઓ આપ્યા હતા. વિદાય સમારંભમાં ઉદબોધનના પ્રારંભે તેમણે કહ્યું કે આવતીકાલથી હું ન્યાય નહીં આપી શકું પણ મારી કારકિર્દીથી હું સંતુષ્ટ છું. તેમણે ન્યાયાધીશોની ભૂમિકાને યાત્રાળુ સમાન ગણાવી હતી જે દરરોજ સેવા કરવાની પ્રતિબધ્ધતા સાથે કોર્ટમાં આવતા હોય છે. તેમણે કહ્યું કે અમે જે કામ કરીએ છીએ તે કેસ બનાવી પણ શકે છે અને તોડી પણ શકે છે.તેમણે આદાલતને શોભાવી ચૂકેલા મહાન ન્યાયાધીશોને પણ યાદ કરી અંજલિ આપી હતી.
અંતમાં તેમણે મિચ્છામી દુક્કડમ કહી પોતે અદાલતમાં કોઈનું દિલ દુભાવ્યું હોય તો ક્ષમા યાચના કરી હતી.
નવા ચીફ જસ્ટિસ તરીકે કાર્યભાર સંભાળનાર જસ્ટિસ સંજીવ ખન્નાને તેમણે ખૂબ વિદ્વાન અને સક્ષમ ન્યાયાધીશ ગણાવી બિરદાવ્યા હતા.
જસ્ટિસ સંજીવ ખન્નાએ વિદાય લઈ રહેલા ચીફ જસ્ટીસની સેવાઓને યાદ કરી ન્યાયતંત્રમાં તેમના પ્રદાનને અનન્ય ગણાવ્યું હતું. ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા તથા સિનિયર વકીલો કપિલ સિબલ, અભિષેક મનુ સિંઘવી વગેરેએ ડીવાય ચંદ્રચૂડ સાથેના અનુભવો અને સંભારણા રજૂ કર્યા હતા અને નિવૃત્ત જીવનની શુભેચ્છા વ્યક્ત કરી હતી.