ઝારખંડ : લગ્નમાંથી પાછી ફરેલી ૫ બાળકીઓનું અપહરણ, ૩ બાળાઓ સાથે સામૂહિક દુષ્કર્મ ; ગુંડારાજ સામે ભારે આક્રોશ
ઝારખંડના ખૂંટી જિલ્લામાં એક શરમજનક ઘટના બની હતી. ખૂંટીથી લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલી 5 બાળકીઓનું 10-12 યુવાનોએ અપહરણ કરીને ૩ સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. રવિવારે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો. પીડિતોએ અહીં પોતાના નિવેદનો નોંધાવ્યા બાદ પોલીસે આ યુવકોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરી હતી. ઝારખંડમાં ગુંડારાજ સામે ભારે આક્રોશ દેખાયો છે .
ખૂંટી જિલ્લાના રાણિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલી 5 બાળકીઓનું 10-12 યુવાનોએ અપહરણ કર્યું હતું. તેમાંથી ત્રણ પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે આ નરાધમોએ બાળકીઓને જંગલમાં લઈ જઈ રહ્યા હતા, ત્યારે એક બાળકીએ એક યુવકના હાથ બચકું ભરીને ભાગી ગઈ હતી. ત્યારબાદ તેમણે ગામલોકોને આ બાબતની જાણ કરી. જ્યારે તે ગ્રામજનો સાથે ઘટનાસ્થળે પહોંચી, ત્યારે બધા ગુનેગારો ભાગી ગયા હતા.
પોલીસને આપેલા નિવેદનમાં, 10 વર્ષીય પીડિતાએ જણાવ્યું હતું કે, ‘મારા પર ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું.’ બીજી એક પીડિતાએ જણાવ્યું કે, ‘મને સાત ક્રૂર લોકોએ બંધક બનાવી હતી અને તેમાંથી ત્રણે મારા પર દુષ્કર્મ ગુજાર્યો હતો.’
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘પોલીસને રવિવારે આ બાબતની જાણ કરવામાં આવી હતી. પીડિતોના નિવેદન લીધા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. 10-12 યુવાનોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી છે. બધા આરોપીઓ ટૂંક સમયમાં પકડાઈ જશે તેમ પોલીસે જણાવ્યું હતું.