વિમાનો પર સંકટ !! એકસાથે 85 ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચ્યો
વિમાનો માટે ધમકીઓનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. ફરી એકવાર એક સાથે 85 વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જે વિમાનોને આ ધમકીઓ મળી છે તેમાં એર ઈન્ડિયાના 20, વિસ્તારાના 20, ઈન્ડિગોના 25 અને આકાસાના 20 વિમાનોનો સમાવેશ થાય છે. વિમાનોને ધમકીનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ અનેકવાર વિમાનોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી જે બાદ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવીને અથવા ફ્લાઇટને ખાલી કરાવીને તપાસ કરવામાં આવે છે.
દિલ્હી પોલીસે છેલ્લા આઠ દિવસમાં 90 થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સામે બોમ્બની ધમકીના સંબંધમાં આઠ અલગ-અલગ FIR નોંધી છે. આ અંગે પોલીસે અનેક લોકોની ધરપકડ પણ કરી છે. એટલું જ નહીં, સતત સામે આવી રહેલી આવી ઘટનાઓને લઈને DGCA દ્વારા માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે.
દિલ્હી પોલીસના સાયબર સેલની વિવિધ ટીમો એક્સ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફ્લાઈટ્સ પર ચાલી રહેલા જોખમોને લઈને ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. એક અઠવાડિયાથી ઓછા સમયમાં 170થી વધુ ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી છે. દરમિયાન, સરકાર એરલાઇન્સને બોમ્બની ધમકીઓને પહોંચી વળવા માટે કાયદાકીય પગલાંની યોજના બનાવી રહી છે, જેમાં ગુનેગારોને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાનો સમાવેશ થાય છે.
ગોવા એરપોર્ટ હાઈ એલર્ટ પર
આ સિવાય ગોવાના બંને એરપોર્ટને વિમાનોને ઉડાવી દેવાની ધમકી મળી છે. બોમ્બની આશંકાને કારણે બંને એરપોર્ટને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. બંને એરપોર્ટ માટે બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી (BTAC)ની રચના કરવામાં આવી છે.
