જેડી વેન્સની પત્ની હિન્દુ છે, મુસ્લિમ નથી: મહિલા પત્રકારે સર્જ્યો વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો
અમેરિકામાં ટ્રમ્પની નજીકના એક મહિલા પત્રકાર અને એક મુસ્લિમ પત્રકાર વચ્ચે રંગ અને ધર્મની ટીકા કરતું આઘાતજનક વાકયુદ્ધ ફાટી નીકળ્યું હતું, જેને કારણે મોટો વિવાદ થયો છે. આખી ઘટના ન્યૂયોર્કના મેયર પદના મુસ્લિમ ઉમેદવાર ઝોહરાન મામદાનીએ કરેલી એક ટિપ્પણી અને તેનો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે આપેલા જવાબના અનુસંધાને બની હતી.
આખા વિવાદની શરૂઆત ન્યૂયોર્કના મેયર પદના ઉમેદવાર ઝોહરાન મામદાનીની એક ટિપ્પણીથી થઈ હતી. 34 વર્ષીય મામદાનીએ શુક્રવારે બ્રોન્ક્સમાં એક મસ્જિદની બહાર ઈમામોની હાજરીમાં ભાવુક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, “સપ્ટેમ્બર 11ના હુમલા બાદ મારી કાકીએ હિજાબ પહેરવાને કારણે ન્યૂયોર્કની સબવેમાં મુસાફરી કરવાનું બંધ કરી દીધું હતું, કારણ કે તેમને સલામતીનો ભય લાગતો હતો. આવા અનુભવો ઘણા મુસ્લિમ ન્યૂયોર્કવાસીઓએ ભોગવ્યા છે.” મામદાનીનું આ નિવેદન મુસ્લિમ સમુદાયના અનુભવો અને ડરને રજૂ કરતું હતું. આ ટિપ્પણીનો જવાબ આપતા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે મામદાનીની મજાક ઉડાવી હતી. તેમણે એક્સ પર પોસ્ટ કરીને કટાક્ષ કર્યો, “ઝોહરાનના મતે 9/11ના આતંકવાદી હુમલાનો અસલી ભોગ એમની કાકી હતી, જેને કથિત રીતે લોકોની ખરાબ નજરનો સામનો કરવો પડ્યો.”
વેન્સની આ ટિપ્પણીએ વિવાદને જન્મ આપ્યો હતો. બ્રિટિશ-અમેરિકન પત્રકાર મેહદી હસને વેન્સની આ ટિપ્પણીની ટીકા કરતા કહ્યું, “એક બ્રાઉન મહિલા સાથે લગ્ન કરનાર અને મિશ્ર-જાતિના બાળકોના પિતા હોવા છતાં, જેડી વેન્સ અન્ય બ્રાઉન લોકોની મજાક ઉડાવે છે, જેઓ પોતાના જાતિય ભેદભાવના અનુભવો ભાવુક રીતે વ્યક્ત કરે છે. વેન્સ એક ખરાબ વ્યક્તિ છે.”
આ નિવેદન પર ટ્રમ્પના સમર્થક અને જાણીતી દક્ષિણપંથી એક્ટિવિસ્ટ લોરા લૂમરે મેહદી હસન પર આકરો પ્રહાર કર્યો. લૂમરે એક્સ પર જવાબ આપતા કહ્યું, “જેડી વેન્સની પત્ની ઉષા વેન્સ હિન્દુ છે, મુસ્લિમ નથી. જો તે મુસ્લિમ હોત, તો વેન્સ ક્યારેય ઉપરાષ્ટ્રપતિ ન બની શકત, કારણ કે MAGA ક્યારેય કોઈ મુસ્લિમને વ્હાઇટ હાઉસમાં સમર્થન નહીં આપે. શું તમને લાગે છે કે હિન્દુ અને મુસ્લિમ એકસરખા છે?” લૂમરે વધુમાં ઉમેર્યું, “ઉષા વેન્સ એક સફળ હિન્દુ અમેરિકન છે. અમારો મુદ્દો બ્રાઉન લોકો સાથે નથી, અમારો મુદ્દો ઇસ્લામ સાથે છે.” લૂમરના આ નિવેદનથી વિવાદ વધુ ગરમાયો છે.
અમેરિકાથી નફરત છે તો ઇસ્લામિક દેશમાં જતા રહો
આ પહેલા પણ લૂમર અને હસન વચ્ચે વાકયુદ્ધ થયું છે. ગયા મહિને લૂમરે હસનને “મુસ્લિમ ઇમિગ્રન્ટ” ગણાવીને તેમને યુકે અથવા તેમના માતાપિતાના જન્મસ્થળ એવા “ઇસ્લામિક દેશો”માં પાછા જવાનું કહ્યું હતું. લૂમરે લખ્યું હતું, “જો તમને અમેરિકામાં નફરત છે, તો તમે અહીં કેમ છો? બસ ચાલ્યા જાઓ. તમને કોણ રોકે છે? તમે અમારા દેશને નફરત કરો છો.” આના જવાબમાં મેહદી હસને, જેમના માતાપિતા હૈદરાબાદથી યુકે સ્થળાંતર કર્યું હતું, લૂમરને જવાબ આપતા કહ્યું, “મારા માતાપિતા ભારતમાં જન્મ્યા હતા, જે ઇસ્લામિક દેશ નથી. તમારું જ્ઞાન, બુદ્ધિ અને આઈક્યૂ એક નાના અને ગુસ્સાવાળા બાળક જેવું છે.”
