અફઘાન મંત્રી આમિર ખાનના ઉષ્માભર્યા સ્વાગતની જાવેદ અખ્તરે કરી નિંદા,કહ્યું “મારું માથું શરમથી ઝૂકી જાય છે”
જે તાલિબાનોની ટીકા કરવામાં વડાપ્રધાન મોદીથી લઈને યોગી સુધીના નેતાઓએ પાછું વળીને ન્હોતું જોયું, એ જ તાલીબાની શાસનના વિદેશ મંત્રી આમિર ખાન મુતાકીને તેમની ભારતની મુલાકાત સમયે આપવામાં આવેલા ઉષ્માભર્યા આવકાર અને તેમના સ્વાગતની ઘણા લોકોએ નિંદા કરી છે અને હવે પ્રખ્યાત ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરે પણ એ બાબતે પોતાની તીવ્ર નારાજગી અને રોષ પ્રગટ કર્યો હતો.
જાવેદ અખ્તરે સોમવારે એક્સ પર લખ્યું, “હું શરમથી માથું નમાવું છું, જ્યારે હું જોઉં છું કે આતંકવાદ સામે ઢોલ પીટનારા આપણે, વિશ્વના સૌથી ખરાબ આતંકવાદી જૂથ તાલિબાનના પ્રતિનિધિને આદર અને સન્માન આપી રહ્યા છીએ.”
આ પણ વાંચો :હાઇવે પર ગંદા શૌચાલયનો ફોટો શેર કરવા બદલ તમને મળશે રૂ.1 હજારનું ઈમાન! NHAIની નવી પહેલ,વાંચો સમગ્ર માહિતી
તેમણે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં આવેલી દક્ષિણ એશિયાની સૌથી પ્રભાવશાળી ઇસ્લામિક સેમિનારી દારુલ ઉલૂમ દેવબંદ ઉપર પણ મુત્તાકીનું “આદરપૂર્વક સ્વાગત ” કરવા બદલ પ્રહારો કર્યા. અખ્તરે આગળ લખ્યું, “દેવબંદને પણ શરમ આવવી જોઈએ કે તેઓએ આવા ‘ઇસ્લામિક હીરો’નું આદરપૂર્વક સ્વાગત કર્યું, જે એવા લોકોમાંનો એક છે જેમણે છોકરીઓના શિક્ષણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. મારા ભારતીય ભાઈઓ અને બહેનો!!! આપણી સાથે શું થઈ રહ્યું છે?”
આ પણ વાંચો :એક શિક્ષક 7 બહેનો સાથે મળીને બેન્ક લૂંટશે! દિવાળીએ રિલીઝ થશે ‘ચણિયાટોળી,હટકે અંદાજમાં જોવા મળશે યશ સોની
મુત્તાકી 2021માં તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કર્યા બાદ પ્રથમ વખત ભારતની છ દિવસની મુલાકાતે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મુત્તાકીની ભારત મુલાકાત યુએન સુરક્ષા પરિષદની તાલિબાન પ્રતિબંધ સમિતિએ તેમના પર લાદવામાં આવેલા પ્રવાસ પ્રતિબંધમાંથી મુક્તિ આપ્યા બાદ શક્ય બની છે.એ અગાઉ મુત્તાકીને 25 જાન્યુઆરી, 2001ના રોજ યુએન સુરક્ષા પરિષદની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા, જેના કારણે તેમના પર પ્રવાસ પ્રતિબંધ, સંપત્તિની જપ્તી અને શસ્ત્ર પ્રતિબંધ લાગુ હતા.
