જમ્મુની શ્રી માતા વૈષ્ણોદેવી મેડિકલ કોલેજની મંજૂરી અંતે રદ કરી દેવાઈ: માળખાગત સુવિધાઓમાં ખામી હોવાનું અપાયું કારણ,વિદ્યાર્થીઓનું હવે શું થશે?
જમ્મુ-કાશ્મીરના રિયાસી સ્થિત શ્રી માતા વિષ્ણોદેવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એક્સેલન્સને નૅશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા આપવામાં આવેલી એમબીબીએસ કોર્સની મંજૂરી રદ કરવામાં આવી છે. 2025-26 શૈક્ષણિક વર્ષ માટે 50 બેઠકો સાથે આપવામાં આવેલ `લેટર ઓફ પરમિશન’ (LoP) પાછું ખેંચવાનો નિર્ણય મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ (MARB)એ લીધો હોવાનું કમિશને જણાવ્યું છે. નોંધનીય છે કે આ કોલેજમાં મોટી સંખ્યામાં મુસ્લિમ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા સામે હિન્દુ સંગઠનોએ ભારે વિરોધ કર્યો હતો.
NMC મુજબ, કોલેજ સામે છેલ્લા બે સપ્તાહમાં અનેક ગંભીર ફરિયાદો મળી હતી. ફરિયાદોમાં પૂરતી માળખાગત સુવિધાઓ ન હોવી, દર્દીઓની સંખ્યા અપૂરતી હોવી, પૂર્ણકાલીન લાયક શિક્ષકોની અછત તથા રેસિડેન્ટ ડૉક્ટરોની સંખ્યા ઓછી હોવા જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. આ ફરિયાદોની ચકાસણી માટે MARB દ્વારા અચાનક ભૌતિક નિરીક્ષણ કરાયું ત્યારે તેમાં અનેક ગંભીર ખામીઓ નજરે પડી હતી. આ પરિસ્થિતિમાં કોલેજ ચાલુ રાખવાથી મેડિકલ શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓના હિતોને નુકસાન થતું હોવાથી મંજૂરી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું NMCએ જણાવ્યું.
આ અગાઉ કોલેજના પ્રથમ બેચમાં 50માંથી 46 મુસ્લિમ વિદ્યાર્થીઓને પ્રવેશ મળવાના મુદ્દે વિવાદ ઊભો થયો હતો. શ્રી માતા વિષ્ણોદેવી મંદિરના દાનથી કોલેજ નિર્માણ થયાનું જણાવી વિવિધ હિન્દુ સંગઠનો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. જો કે નેશનલ મેડિકલ કમિશને બધા પ્રવેશ મેરિટ ઉપર અને કાયદા મુજબ અપાયા હોવાનું તે સમયે જણાવ્યું હતું.
વિદ્યાર્થીઓનું હવે શું થશે?
NMCએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના હિતોની રક્ષા માટે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સત્તાધીશ સંસ્થાઓને આ વિદ્યાર્થીઓને જમ્મુ-કાશ્મીરની અન્ય સરકારી મેડિકલ કોલેજોમાં `સુપરન્યુમરરી બેઠકો’ તરીકે સ્થાનાંતરિત કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેથી તેમનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં.
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે શું કહ્યું?
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે કહ્યું કે વિદ્યાર્થીઓએ પોતાની મહેનતથી પરીક્ષા પાસ કરીને બેઠકો મેળવી છે, કોઈએ તેમને ઉપકારથી પ્રવેશ આપ્યો નથી. તેમણે જો વિવાદના કારણે ત્યાં ભણવું મુશ્કેલ હોય તો સરકાર તેમને અન્ય મેડિકલ કોલેજોમાં સમાયોજિત કરે અને આ કોલેજ બંધ કરી દે તેવું સૂચન કર્યું હતું. શિક્ષણ, રમતગમત અને ખોરાક જેવા મુદ્દાઓ પર રાજકારણ ન થવું જોઈએ, તેમ તેમણે જણાવ્યું હતું.
