જમ્મુ-કાશ્મીર : LoC નજીક IED બ્લાસ્ટ થતાં બે જવાન શહીદ, એક જવાન ગંભીર રીતે ઘાયલ
મંગળવારે જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં થયેલા આતંકવાદી હુમલામાં બે સેનાના જવાનો શહીદ થયા હતા. ભારતીય સેનાએ કહ્યું છે કે LoC નજીક અખનૂર સેક્ટરમાં IED આતંકવાદી હુમલામાં ત્રણ સૈનિક ઘાયલ થયો હતા, જેમાંથી બે સૈનિકોનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ, મંગળવારે બપોરે લગભગ 3:30 વાગ્યે જમ્મુ જિલ્લાના ખૌર પોલીસ સ્ટેશન હેઠળના કેરી બટ્ટલ વિસ્તારમાં નિયંત્રણ રેખા નજીક એક IED વિસ્ફોટ થયો હતો. આમાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા જેમાં 2 સૈનિકોનું મોત નીપજ્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેનાની ટીમ અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન આતંકવાદીઓએ IED બ્લાસ્ટ કર્યો. તેનાથી ત્રણ સૈનિકો ઘાયલ થયા. માહિતી મળતા જ, વધારાના સૈન્ય દળો ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં લઈ ગયા બાદ, આતંકવાદીઓ માટે શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું.
પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટ એક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) ના વિસ્ફોટને કારણે થયો હતો, જે શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ પછી તરત જ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે આના એક દિવસ પહેલા, સોમવારે, રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર ગોળીબારમાં સેનાનો એક સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જવાન નૌશેરા સેક્ટરના કલાલ વિસ્તારમાં એક ફોરવર્ડ પોસ્ટ પર તૈનાત હતો ત્યારે તેને ગોળી વાગી હતી અને તેને તાત્કાલિક લશ્કરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રારંભિક માહિતી મુજબ બપોરે લગભગ 2.40 વાગ્યે નિયંત્રણ રેખા પારથી ગોળીબાર થયો હતો.
અગાઉ 8 ફેબ્રુઆરીના રોજ, કેરી સેક્ટરમાં નિયંત્રણ રેખાની પેલે પારના જંગલમાંથી આતંકવાદીઓએ સેનાની પેટ્રોલિંગ ટુકડી પર ગોળીબાર કર્યો હતો, જેઓ આ બાજુ પ્રવેશવાની તક શોધી રહ્યા હતા. ભારતીય સૈનિકોએ પણ જવાબી કાર્યવાહીમાં થોડા રાઉન્ડ ગોળીબાર કર્યો અને ત્યારબાદ વિસ્તારમાં કડક નજર રાખવા માટે ઘૂસણખોરી વિરોધી ગ્રીડને મજબૂત બનાવવામાં આવી.
LoC નજીક હથિયારોનો ભંડાર મળી આવ્યો
કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક કર્નાહ વિસ્તારમાં સોમવારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન દરમિયાન હથિયારો અને દારૂગોળોનો જથ્થો જપ્ત કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે કર્ણાહ તાલુકાના બડી મોહલ્લા અમરોહીમાં શસ્ત્રો અને દારૂગોળાની હાજરીની માહિતી મળ્યા બાદ સેના અને પોલીસની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ એક AK 47 રાઈફલ, એક AK મેગેઝિન, એક Saiga MK રાઈફલ, એક Saiga MK મેગેઝિન અને 12 રાઉન્ડ જપ્ત કર્યા.