અયોધ્યામાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની જૈશની ધમકી
ગુપ્તચર તંત્ર એલર્ટ મોડ પર; સુરક્ષામાં કરાયો વધારો
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે અયોધ્યામાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આ અંગે એક ધમકીભર્યો ઓડિયો પણ વાયરલ થયો છે.
વાયરલ ઓડિયોમાં આમીર નામના જૈશ-એ-મોહમ્મદના આતંકીએ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. તે કહેતા સાંભળવા મળે છે કે અમારી મસ્જિદ હટાવીને મંદિર બનાવવામાં આવ્યું છે. હવે બોમ્બમારો થશે. આતંકવાદી કહી રહ્યો છે કે અમારા ત્રણ સાથીઓએ બલિદાન આપ્યું છે માટે હવે આ મંદિરને તોડવું પડશે.
આ ઓડિયો સામે આવ્યા બાદ સુરક્ષા અને ગુપ્તચર તંત્ર હરકતમાં આવ્યું છે. રામ મંદિર અને તેની નજીકના એપ્રોચ રોડ અને મુખ્ય મથકોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
અયોધ્યા ધામને અલગ-અલગ ઝોનમાં વિભાજીત કરીને તેના પર નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ ઉપરાંત પીએસીની પણ ઘણી કંપનીઓ છે. એટીએસ કમાન્ડો પણ પહેલેથી જ નજર રાખી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.