જયપુર એરપોર્ટ અને બેંગલુરુની ટોચની 3 કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ : પોલીસ તપાસ શરૂ
ઈ-મેલ દ્વારા બોમ્બની ધમકીઓનો સિલસિલો અટકવાનો કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી. શુક્રવારે, રાજસ્થાનના જયપુર એરપોર્ટ અને બેંગલુરુની ત્રણ ટોચની કોલેજોને બોમ્બની ધમકી મળી હતી, ત્યારબાદ સ્થાનિક સુરક્ષા એજન્સીઓ પણ એક્શનમાં આવી ગઈ હતી. જો કે કોલેજમાં સર્ચ ઓપરેશન બાદ કોઈ વિસ્ફોટક સામગ્રી મળી આવ્યા ન હતા, પરંતુ ધમકીભર્યા મેઈલથી કોલેજમાં ખળભળાટ મચી ગયો હતો. આ પહેલા પણ દેશના ઘણા મોટા એરપોર્ટ, સ્કૂલ, હોસ્પિટલ અને શોપિંગ મોલને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી ચૂકી છે. સુરક્ષા એજન્સીઓ છેલ્લા કેટલાક મહિનામાં આવી રહેલા મેઈલનો સ્ત્રોત શોધવા માટે ઊંડી તપાસ કરી રહી છે.
જયપુર એરપોર્ટ પર એલર્ટ જારી કરવામાં આવ્યું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ધમકીઓ BMS કોલેજ, MS રામૈયા કોલેજ અને બેંગલુરુની BIT કોલેજને મળી છે. સુરક્ષા એજન્સીઓએ કોલેજ કેમ્પસને હાઈ એલર્ટ પર રાખ્યું છે. આ ઉપરાંત બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યા બાદ જયપુર એરપોર્ટ પર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. એરપોર્ટ એડમિનિસ્ટ્રેશનને ઈ-મેલ પર બોમ્બની ધમકી મળ્યા બાદ જયપુર એરપોર્ટ પર આવતા દરેક મુસાફરોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. CISFએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે, પરંતુ હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.
તમિલનાડુમાં પણ ધમકી મળી હતી
ગયા ગુરુવારે, તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લામાં નવ શૈક્ષણિક સંસ્થાઓને ગુરુવારે એક ઈ-મેલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમના પરિસરમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. જો કે શોધખોળ બાદ આ બોમ્બની ધમકી અફવા સાબિત થઈ હતી. ઈ-મેઈલ જોયા બાદ મનપ્પરાઈની કેમ્પિયન સ્કૂલના મેનેજમેન્ટે તરત જ પોલીસને જાણ કરી હતી.
બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડે શાળાના પરિસરમાં શોધખોળ કરી અને બાદમાં અન્ય સંસ્થાઓ કે જેમને સમાન મેલ મળ્યા હતા તેમની પણ શોધ કરવામાં આવી. જે સંસ્થાઓને બોમ્બની ધમકીઓ મળી હતી તેમાં સેન્ટ જોસેફ કોલેજ, હોલી ક્રોસ કોલેજ, મણપ્પરાઈ કેમ્પિયન સ્કૂલ, સમથ સ્કૂલ, આર્કોટ સ્કૂલ, આચાર્ય સ્કૂલ, કેમ્પન સ્કૂલ, સેન્ટ એની સ્કૂલ અને રાજમ પબ્લિક સ્કૂલનો સમાવેશ થાય છે. શોધ પછી, પોલીસે પુષ્ટિ કરી કે ધમકી અફવા હતી અને કોઈ બોમ્બ મળ્યો નથી.