જય જવાન: કાશ્મીરમાં એકસાથે પાંચ આતંકીનો સફાયો
સુરક્ષા દળોને મોટી સફળતા
જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના કદેર વિસ્તારમાં ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ગુરુવારે પાંચ આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતા. સેનાના જણાવ્યા અનુસાર એ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની ચોક્કસ માહિતી મળ્યા બાદ સુરક્ષા દળો દ્વારા આખા વિસ્તારને ઘેરી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એ દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરતા સુરક્ષા દળોએ વળતો ગોળીબાર કર્યો હતો. આ એન્કાઉન્ટરમાં પાંચ આતંકવાદી માર્યા ગયા હતા. બે જવાનોને પણ ઇજા થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. એક સાથે પાંચ આતંકવાદીઓનો સફાયો કરી સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી હતી.
જમ્મુ કાશ્મીરના 10 જિલ્લામાં આ વર્ષે આતંકવાદી હુમલાઓની વધેલી ઘટના બાદ સુરક્ષા દળો દ્વારા લેવામાં આવેલા વિશેષ પગલાંને કારણે આતંકવાદીઓ માટે હવે બચવું મુશ્કેલ થઈ પડ્યું છે. નોંધનીય છે કે આ વર્ષે આતંકવાદી હુમલાઓને કારણે સુરક્ષા દળ ના 18 જવાનો, 18 નાગરિકો અને 13 આતંકવાદીઓ માર્યા ગયા હતા. નવેમ્બર મહિનામાં પણ આઠ આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા હતા.ગત મહિને દસ દિવસમાં જ એનકાઉન્ટરની નવ ઘટનાઓ બની હતી. સૂત્રોના જણાવ્યાન અનુસાર ડિસેમ્બર મહિનાનું આપેલું એનકાઉન્ટર હતું.