ISRO લોન્ચ કરશે અત્યાધુનિક સેટેલાઇટ INSAT-3DS
કુદરતી આફતો અંગે આગોતરી જાણકારી આપશે
ISRO હવે અત્યાધુનિક સેટેલાઈટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલ INSAT-3DS ઉપગ્રહ 17 ફેબ્રુઆરી 2024 ના રોજ લોન્ચ કરવામાં આવશે. શ્રીહિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે બપોરે 3:30 કલાકે GSLV રોકેટથી પ્રક્ષેપણ થશે. આ ઉપગ્રહને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GRO)માં તૈનાત કરવામાં આવશે. રોકેટને એસેમ્બલ કરવાનું કામ શરૂ થઈ ગયું છે.
આ સેટેલાઈટનો મુખ્ય ઉદ્દેશ્ય જમીન, સમુદ્ર, હવામાન અને ઈમરજન્સી સિગ્નલ સિસ્ટમ વિશે માહિતી આપવાનો છે. આ સિવાય રાહત અને બચાવ કાર્યમાં પણ મદદ કરશે. INSAT-3 શ્રેણીના ઉપગ્રહોમાં છ વિવિધ પ્રકારના જીઓસ્ટેશનરી ઉપગ્રહો છે. આ તમામ સેટેલાઈટ ભારતમાં અને તેની આસપાસના મોસમી ફેરફારો વિશે સચોટ અને સમયસર માહિતી પૂરી પાડે છે.
આ સેટેલાઈટનું વજન 2275 કિલોગ્રામ છે. આ સેટેલાઈટમાં 6 ચેનલ ઈમેજર્સ છે. 19 ચેનલ સાઉન્ડર હવામાનશાસ્ત્ર પેલોડ્સ ઉપલબ્ધ છે. આ ઉપગ્રહો ISRO તેમજ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા સંચાલિત છે. જેથી કરીને લોકોને કુદરતી આફતો આવે તે પહેલા તેની જાણકારી મળી શકે. તેમને સુરક્ષિત સ્થાનો પર લઈ જઈ શકાય છે. આ વર્ષે ISROનું આ બીજું સેટેલાઇટ લોન્ચિંગ હશે. અગાઉ તે જાન્યુઆરીમાં લોન્ચ થવાનું હતું પરંતુ બાદમાં તે ફરીથી શેડ્યુલ કરવામાં આવ્યું હતું.