ગાઝા પર ઈઝરાયેલની મોટી એરસ્ટ્રાઇક : સ્કૂલ હુમલામાં 100 પેલેસ્ટાઈનના મોત, અનેક ઘાયલ
- વિસ્થાપિતોને આશરો આપતી શાળા પર ઇઝરાયેલે 2000 બોમ્બ વરસાવ્યા
- ગાઝાની શાળા પર ભયાનક હુમલો 100 નમાઝીના મોત: સેંકડો ઘાયલ
- લાશોના ઢેર લાગ્યા: અનેક લોકો જીવતા સળગી ગયા
ઇઝરાયેલ ઉપર હુમલો કરવાની ઈરાનની ધમકી અને યુદ્ધ વિરામની અનેક રાષ્ટ્રોની વિનંતી વચ્ચે ઇઝરાયેલે ગાઝા ઉપર ભયંકર હુમલા ચાલુ રાખ્યા છે. શનિવારે એવા જ એક હવાઈ હુમલામાં ગાઝામાં વિસ્થાપિતોને આશરો આપતી શાળા પર ઇઝરાયેલે કરેલી એર સ્ટ્રાઈક માં 100 કરતાં વધુ લોકો માર્યા ગયા હતા અને એટલી જ મોટી સંખ્યામાં અન્ય ઘાયલ થયા હતા.
યુએન એજન્સી ફોર પેલેસ્ટિનિયન રેફ્યુજીના જણાવ્યા અનુસાર ગાઝા શહેરના દરાજ વિસ્તારમાં આવેલી આલ તાબીન સ્કૂલમાં વિસ્થાપિત શણાર્થીઓ શનિવારે સવારની નમાઝ પઢી રહ્યા હતા ત્યારે ઇઝરાયેલના વિમાનો ત્રાટક્યા હતા. ઇઝરાયેલે કરેલા બોમ્બમારામાં આખી શાળા ધરાશયી થઇ ગઈ હતી. નમાઝ પઢી રહેલા શરણાર્થીઓ કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા અને આખી શાળા આગની લપેટમાં આવી ગઈ હતી અને અનેક લોકો ભડથું થઈ ગયા હતા. એ વિસ્તારમાં ઈઝરાયેલે પાણી પુરવઠો બંધ કરી દેતા ટાંચા સાધનો વડે આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બાળકો અને મહિલાઓ સહિત ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા હોવાનું હમાસના પ્રવક્તાએ જણાવ્યું હતું.
બધા આતંકવાદી હતા: ઈઝરાયેલનો દાવો
ઇઝરાયેલના જણાવ્યા મુજબ આ શાળામાં શરણાર્થીઓ નહી પરંતુ આતંકવાદીઓ આશરો લઈ રહ્યા હતા. હમાસ એ શાળાનો ઉપયોગ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તરીકે થતો હોવાનો ઇઝરાયેલે દાવો કર્યો હતો.
પંદર દિવસમાં ચાર શાળાઓ પર
હુમલા: 162 લોકોના મોત
ઇઝરાયેલે ગાઝા ઉપર લગાતાર હુમલા ચાલુ રાખ્યા છે.ગુરુવારે ખાન યુનુસ શહેર પર થયેલા હુમલામાં 35 લોકો માર્યા ગયા હતા. ખાન યુનુસ શહેરના 70000 લોકોનું અત્યંત ગીચ વસ્તી ધરાવતા અલ મવાસ વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગાઝાની શાળાઓમાં વિસ્થાપિતોને આશરો આપવામાં આવ્યો છે. એવી શાળાઓ પર ઇઝરાયેલની એર સ્ટ્રાઈકને કારણે મોટી જાનહાનિ થઈ છે.આ અગાઉ 1 ઓગસ્ટે એક શાળા પર ઇઝરાયેલે કરેલા હુમલામાં 15 લોકોના મોત થયા હતા. ત્યારબાદ ત્રીજી અને ચોથી ઓગસ્ટે ત્રણ શાળાઓ પર ઇઝરાયેલ એ બોમ્બ વરસાવ્યા હતા જેમાં 47 લોકો માર્યા ગયા હતા.અને શનિવારે કરેલા હુમલામાં વધુ 100 લોકોના મૃત્યુ થયા છે.