તુર્કયેમાં ઇઝરાયલના વિરોધમાં જંગી દેખાવ
ઇઝરાયલે તુર્કયેમાંથી રાજદૂતોને પરત બોલાવી લીધા
તુર્કયે હવે ખુલ્લીને ઇઝરાયેલ ની વિરુદ્ધમાં ઉતરી આવ્યું છે. પ્રમુખ એરડોજને કરેલી હાકલબાદ શનિવારે ઇસ્તંબુલમાં લાખો લોકો ઇઝરાયેલના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. એ જંગી મેદનીને સંબોધન કરતા તેમણે જણાવ્યું કે ઇઝરાયેલ ‘ ક્રુસેડ ‘ પ્રકારના યુદ્ધનો માહોલ બનાવી રહ્યું છે.જેરુસલામને મુસ્લિમ કબજામાંથી મુક્ત કરાવવા માટે દસમી સદીમાં થયેલા ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વચ્ચેના યુદ્ધને ક્રુસેડ કહેવામાં આવે છે. પ્રેસિડેન્ટ એર્દોજને ઇઝરાયલ હમાસ યુદ્ધને આવું ધાર્મિક જંગનું સ્વરૂપ આપતાં મામલો ગંભીર બની ગયો છે.
એરડોજને કહ્યું કે અમે ઇઝરાયેલને વોર ક્રિમીનલ સાબિત કરવા માટેની તૈયારી કરી રહ્યા છીએ.તેમના આ ભડકામણા ભાષણ બાદ ઇઝરાયલે તુર્કયેમાંથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા. નોંધનીય છે કે હજુ થોડા સમય પહેલા જ તુર્કી અને ઇઝરાયેલ વચ્ચે રાજદારી સંબંધોનું પુનઃસ્થાપન થયું હતું. એરડોજને આ પહેલા હમાસ આતંકવાદી સંગઠન ન હોવાનું અને તેના લડાકુઓ માતૃભૂમિની આઝાદી માટે
લડતા હોવાનું જણાવ્યું હતું.
મુખ્ય વિલન પશ્ચિમના દેશો
એરડોજને કહ્યું કે આ યુદ્ધમાં મુખ્ય વિલન તો પશ્ચિમના દેશો છે. તેમણે કહ્યું કે સ્વરક્ષણ કરવાનો બધા ને અધિકાર છે પણ ગાઝામાં જે થઈ રહ્યું છે તે સ્વરક્ષણ નથી, નરસંહાર છે અને અમેરિકા સહિતના પશ્ચિમના રાષ્ટ્રો તેને સમર્થન કરે છે. તેમણે પૂછ્યું કે યુક્રેનમાં નાગરિકોના મોત પર આંસુ સારતા પશ્ચિમના દેશો ગાઝામાં હજારો લોકો મરી રહ્યા છે ત્યારે કેમ એક શબ્દ પણ બોલતા નથી?