શું જીસસનું સાચું નામ ‘જીસસ’ નથી ?? શું છે સાચું નામ ?? વાંચો વિશેષ અહેવાલ
માનવ ઇતિહાસમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એક એવા ઈસુ ખ્રિસ્તને તેમના જીવનકાળ દરમિયાન “ઈસુ” કહેવામાં આવ્યા ન હોય એવું સંશોધકોનું કહેવું છે. આ ભલે આશ્ચર્યજનક લાગે પણ તેમના નામની ઉત્પત્તિ અને નામની ઉત્ક્રાંતિ લાંબા સમયથી ઇતિહાસકારો અને ભાષાશાસ્ત્રીઓના વર્તુળોમાં ચર્ચામાં છે. વધુમાં, “ખ્રિસ્ત” તેમની અટક નથી પણ એક માનનીય પદવી છે જેનો અર્થ “ઈશ્વરની પસંદગી” થાય છે.
ઈસુ ખ્રિસ્ત તેમનું મૂળ નામ કેમ ન હતું?
પૃથ્વી પરના તેમના સમય દરમિયાન, ઈસુ કદાચ અરામિક ભાષા બોલતા હતા, જે જુડિયાની માતૃભાષા હતી. જુદીયા એટલે રોમન સામ્રાજ્યનો એક પ્રદેશ. નિષ્ણાતો માને છે કે તેમનો જન્મ ગાલીલના એક નાના શહેર નાઝરેથમાં થયો હતો, અને તેમને ઘણીવાર “નાઝરેથના ઈસુ” કહેવામાં આવતા હતા.
યહુદી અને ખ્રિસ્તી ધર્મના નિષ્ણાત પ્રોફેસર ડિનેકે હાઉટમેનના મતે, ગેલિલીમાં યહૂદી વસ્તીની સામાન્ય ભાષા અરામિક હતી. પ્રાચીન પેપીરી સહિતના ઐતિહાસિક દસ્તાવેજો પુષ્ટિ આપે છે કે આ પ્રદેશમાં અરામિક ભાષા વ્યાપકપણે બોલાતી હતી. વધુમાં, ઈસુના સમયની ભાષાઓમાં “J” અક્ષર અસ્તિત્વમાં નહોતો. હકીકતમાં, તેમના મૃત્યુના લગભગ 1,500 વર્ષ પછી જ આ ભાષાને લીપી મળી.
ઈસુનું સાચું નામ શું હતું?
નિષ્ણાતો સૂચવે છે કે ઈસુને યેશુઆ કહેવામાં આવતું હશે, જે તે સમયે ગાલીલમાં એક સામાન્ય નામ હતું. યેશુ જેવા સ્વરૂપોનો પણ ઉપયોગ થતો હતો. તેમનું નામ કદાચ અરામિકમાં યેશુઆ હતું. પ્રાચીન વિશ્વમાં લોકો આજે જેમ અટક સમજીએ છીએ તેમ તેમના માતાપિતા અથવા તેમના મૂળ સ્થાન દ્વારા ઓળખાતા હતા. ઉદાહરણ તરીકે, ઈસુને “યેશુ નાર્ઝાનિન” કહી શકાય, જેનો અર્થ “નાઝરેથના ઈસુ” થાય. તેવી જ રીતે, મેરી મેગ્ડાલીનને કદાચ તેનું નામ એટલા માટે મળ્યું કારણ કે તે ગાલીલી તળાવ પાસેના એક ગામ નામે મગ્દાલાની હતી.
‘ઈસુ ખ્રિસ્ત‘ એક સામાન્ય નામ કેવી રીતે બન્યું?
યેશુઆથી ઈસુમાં પરિવર્તન એ ભાષાકીય અનુકૂલન અને લિવ્યંતરણની એક રસપ્રદ ઘટના છે. લિવ્યંતરણ એટલે એક નામને એક ભાષામાંથી બીજી ભાષામાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા. જ્યારે ગ્રીકમાં ન્યુ ટેસ્ટામેન્ટ લખાયો હતો, ત્યારે એમાં માનતા લોકોને એક પડકારનો સામનો કરવો પડ્યો. ગ્રીક ભાષામાં યેશુઆ નામના અરામાઇક નામને વ્યક્ત કરવા માટે ચોક્કસ અવાજોનો અભાવ હતો. માટે તેમણે નામ આપ્યું – ઇસુસ. આ નામના અંતમાં “s” ધ્વનિનો સમાવેશ થતો હતો, જે ગ્રીક વ્યાકરણમાં એક પરંપરા હતી. પછીથી, જ્યારે શાસ્ત્રોનું લેટિનમાં ભાષાંતર થયું, ત્યારે ઇસુસ નામ ફરીથી ઈસુમાં બદલાઈ ગયું. જ્યારે આ ગ્રંથોનું અંગ્રેજીમાં ભાષાંતર કરવામાં આવ્યું, અને 17મી સદીમાં J અક્ષરનો વિકાસ થયો અને પછી તે જીસસ તરીકે ઓળખાયા.
‘ક્રાઇસ્ટ‘ કોઈ અટક નથી!
જોકે “ક્રાઇસ્ટ” શબ્દનો ઉપયોગ ઘણીવાર જીસસના છેલ્લા નામ તરીકે થાય છે પરંતુ તે વાસ્તવમાં એક પદવી છે. આ શબ્દ ગ્રીક શબ્દ ક્રિસ્ટોસ પરથી આવ્યો છે, જેનો અનુવાદ ‘પસંદગી પામેલા’ થાય છે અને તે હિબ્રુ શબ્દ “મસીહા” ને અનુરૂપ છે. આ શીર્ષક આધુનિક અટકોની જેમ ઓળખકર્તા નથી પણ આધ્યાત્મિક હેતુ ઉપર ભાર મુકે છે.
જીસસના નામની ઐતિહાસિક અને ભાષાકીય યાત્રાને સમજવાથી આપણને શરૂઆતના ખ્રિસ્તી ધર્મને આકાર આપનારા સાંસ્કૃતિક અને ભાષાકીય પ્રભાવોને વધુ સારી રીતે સમજવામાં મદદ મળે છે. તે આપણને એ પણ યાદ અપાવે છે કે નામો, પદવીઓ અને ઓળખ ઘણીવાર વિવિધ યુગો અને પ્રદેશોની ભાષાઓ અને પરંપરાઓને અનુરૂપ હોય છે.
તેમનું નામ ગમે તે રીતે વિકસિત થયું હોય, યેશુઆ – અથવા ઈસુ-જીસસ, જેમ આપણે હવે તેમને જાણીએ છીએ અને ઇસુનો શાંતિનો સંદેશ અને વારસો અમર છે. તેમના ઉપદેશો ભાષાકીય અને સાંસ્કૃતિક સીમાઓ પાર કરીને, વિશ્વભરના અબજો લોકોને પ્રેરણા આપે છે. આ ભાષાકીય ઉત્ક્રાંતિ એ વાતનો પુરાવો છે કે ઇતિહાસ અને ભાષા આપણી માન્યતાઓના સૌથી પવિત્ર પાસાઓને પણ કેવી રીતે આકાર આપી શકે છે.