કૃષ્ણની દ્વારકા હવે હાથવગી ?
કૃષ્ણ ભગવાનની સોનાની નગરીના વણઉકેલ રહસ્યો ઉજાગર થશે
ડૂબી ગયેલી પ્રાચીન દ્વારકા શોધવા બે દાયકા બાદ ફરી એક વખત સમુદ્રના તળિયે તપાસ શરૂ
ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) ની અંડરવોટર આર્કિયોલોજી વિંગે ગુજરાતના દ્વારકા ખાતે સમુદ્રમાં ડૂબી ગયેલી મનાતી ભગવાન કૃષ્ણની પૌરાણિક નગરીના અવશેષો માટે બે દાયકા બાદ નવેસરથી શોધખોળ શરૂ કરી છે. ASI નીઅંડરવોટર આર્કિયોલોજી વિંગ (UAW) ની ટીમનો આ નવો પ્રયાસ 4000 વર્ષ જૂના ભવ્ય નગરના રહસ્યોને ઉજાગર કરવા તેમ જ અરબી સમુદ્રના ઊંડાણમાં સમાઈ ગયેલા સાંસ્કૃતિક વારસાના અભ્યાસ અને એ વિરાસતનું જતન કરવા માટેના મિશનના ભાગરૂપે હોવાનું સાંસ્કૃતિક મંત્રાલયે જણાવ્યું હતું.નોંધનીય છે કે ASI નીઅંડરવોટર આર્કિયોલોજી વિંગ (UAW) ની ટીમ દ્વારા દ્વારકા અને બેટ દ્વારકા ખાતે છેલ્લે 2005 થી 2007 દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. વિવિધ એજન્સીઓ દ્વારા અત્યાર સુધીમાં કરાયેલી કામગીરી દરમિયાન મળેલા અવશેષો અને પ્રાચીન દ્વારકા અંગે મહાભારત, હરિવંશમ અને ભાગવત પુરાણમાં કરવામાં આવેલા વર્ણન વચ્ચે ઘણું સામ્ય હોવાનું પુરાતત્વવિદો માને છે.
હવે નવેસરથી શરૂ થયેલી શોધખોળ માટે આર્કિયોલોજીના એડિશનલ ડિરેક્ટર જનરલ પ્રોફેસર આલોક ત્રિપાઠીના નેતૃત્વ હેઠળ પાંચ પુરાતત્વવિદોની ટીમનું ગઠન કરવામાં આવ્યું છે.જેમાં પ્રથમ વખત ત્રણ મહિલા પુરાતત્વવિદો- અપરાજિતા શર્મા,પૂનમ વિંદ અને રાજકુમારી બર્બિના નો સમાવેશ કરવામાં આવ્યો છે.તેઓએ પ્રારંભિક તપાસ માટે ગોમતી નદીની ખાડી નજીકનો વિસ્તાર પસંદ કર્યો છે.
નોંધનીય છે કે ASI ની અંડરવોટર આર્કિયોલોજી વિંગ (UAW), 1980 ના દાયકાથી ભારતમાં સમુદ્રી પુરાતત્ત્વ સંશોધનમાં મોખરે રહી છે.એ ટીમ દ્વારા લક્ષદ્વીપના બંગારમ ટાપુ, તમિલનાડુના મહાબલિપુરમ, ગુજરાતના દ્વારકા, મણિપુરના લોકટાક તળાવ અને મહારાષ્ટ્રના મુંબઈના દરિયાકાંઠે આવેલા એલિફન્ટા ટાપુ સહિત ભારતના વિવિધ પુરાતત્ત્વીય અને ઇકોલોજીકલ સ્થળોની શોધ અને સંશોધન કરવામાં આવ્યું છે.હવે વધુ વિકસિત સાધન સરંજામને કારણે આ ટીમ અરબી સમુદ્રના વધુ ઊંડાણ સુધી પહોંચીને શોધખોળ કરી શકશે અને હિન્દુઓના આસ્થાના કેન્દ્ર સમી પ્રાચીન દ્વારકાના વણઉકેલ રહસ્યો ઉજાગર થશે તેવી પ્રબળ સંભાવના છે.
વડાપ્રધાન મોદીએ ડૂબકી લગાવી હતી.
હિન્દુઓ માટે ડૂબી ગયેલી મનાતી દ્વારકા નગરી હંમેશાંથી શ્રદ્ધા અને ઉત્સુકતાનો પર્યાય બની ગઈ છે.
દ્વારકાને હિન્દુ ધર્મની સપ્ત પુરીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. પૌરાણિક કથા અનુસાર મથુરાથી આવીને
કૃષ્ણ ભગવાને સમુદ્ર પાસેથી જમીન મેળવીને સોનાની દ્વારકા નગરીનું નિર્માણ કર્યું હતું. અને યાદવાસ્થળી બાદ ભગવાનની વિદાય પછી એ નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી અને ત્યારથી કલિયુગ નો પ્રારંભ થયો હતો.દ્વારકા ના અવશેષો શોધવા માટે આ પહેલા પણ ઘણા પ્રયાસ થયા છે.વડાપ્રધાન મોદીએ પણ 25 ફેબ્રુઆરી 2024માં સ્કુબા ગિયર ધારણ કરી સમુદ્રમાં ડૂબકી લગાવી હતી અને બાદમાં પ્રાર્થના કરતી તસવીરો શેર કરી હતી.તેમણે દ્વારકામાં રેલીને સંબોધન કરતાં કહ્યું હતું,” હું સમુદ્રની ઊંડાઈમાં ગયો અને પ્રાચીન દ્વારકા નગરના દર્શન કર્યા. પુરાતત્ત્વવિદોએ પાણીની અંદર છુપાયેલા દ્વારકા નગર વિશે ઘણું લખ્યું છે. આપણા શાસ્ત્રોમાં પણ દ્વારકા વિશે કહેવાયું છે કે તે સુંદર દરવાજા અને ઊંચી ઇમારતોવાળું નગર હતું, જે વિશ્વની ટોચ જેટલું ઊંચું હતું. ભગવાન કૃષ્ણે જાતે આ નગરનું નિર્માણ કર્યું હતું”.
પ્રાચીન નગરીની દીવાલો મળી આવી હતી
ડૂબી ગયેલી દ્વારકાના રહસ્યોને ઉજાગર કરવાની યાત્રા 1930 ના દાયકામાં હિરાનંદ શાસ્ત્રીથી શરૂ થઈ હતી, ત્યારબાદ 1963 માં જે.એમ. નાણાવટી અને એચ.ડી. સાંકલિયા દ્વારા પ્રથમ મોટું ખોદકામ થયું હતું.
સમુદ્રી પુરાતત્ત્વવિદો દ્વારા હાથ ધરાયેલા વધુ ખોદકામથી પ્રાચીન દ્વારકાના ડૂબી ગયેલા અવશેષો અને અનેક પ્રાચીન કલાકૃતિઓ મળી આવી હતી. યુનેસ્કોના જણાવ્યા અનુસાર 1983 થી 1990 ની વચ્ચે, પુરાતત્ત્વવિદોએ પ્રાચીન દ્વારકાની દીવાલો જેના પર ઊભી હોવાનું મનાય છે એ કિલ્લાનો પાયો, પથ્થરના બ્લોક્સ, સ્તંભો, પથ્થરના લંગર અને સિંચાઈની નહેરો શોધી કાઢી હતી.
પ્રાચીન નગરીના અસ્તિત્વને સમર્થન આપતાં અનેક પુરાવા પ્રાપ્ત થયા છે.
1969 અને 1970માં થયેલી ઓનશોર શોધખોળમાં
દ્વારકામાંથી પ્રાચીન હરપ્પનથી મધ્યયુગીન સમયગાળા સુધીના અનેક માટીના ટુકડાઓ મળી આવ્યા હતા.ગોવાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી (NIO) દ્વારા વ્યાપક ઓનશોર અને ઓફશોર શોધખોળથી પણ સમાન પરિણામો મળ્યા હતા. એ સંસ્થાના સમુદ્રી પુરાતત્ત્વવિદ એ.એસ. ગૌરના જણાવ્યા અનુસાર બેટ દ્વારકા ટાપુના દરિયાકાંઠે છેલ્લા બે દાયકાઓની સમુદ્રી પુરાતત્ત્વ શોધખોળ દરમિયાન અનેક પ્રાચીન રહેણાંક સ્થળો મળી આવ્યા હતા. આ સ્થળોએથી મોટી માત્રામાં પૂર્વ-ઐતિહાસિક અને ઐતિહાસિક માટીના વાસણો પણ એકત્રિત કરવામાં આવ્યા છે. 1980ના દાયકામાં ગોમતીના કાંઠે મળેલા કિલ્લાની દિવાલના અવશેષો એ સ્થળે એક સુનિયોજિત નગરના અસ્તિત્વની પુષ્ટિ કરે છે.
તાજેતરની ઓફશોર શોધખોળથી મધ્યયુગીન સમયગાળાના અનેક પથ્થરના લંગર, એક સીસાનું લંગર અને પ્રારંભિક ઐતિહાસિક સમયગાળાના એમ્ફોરાના અવશેષો પ્રકાશમાં આવ્યા છે.
પુરાતત્ત્વવિદ એસઆર રાવ અનુસાર, ડૂબી ગયેલા દ્વારકાના સ્થળેથી મળેલા પુરાતત્ત્વીય પુરાવાઓ લગભગ ઇસુ પહેલાના 1500 વર્ષ પૂર્વેના એક નગર-રાજ્યના અસ્તિત્વની પુષ્ટિ કરે છે, જેમાં થોડા ઉપનગરો પણ સામેલ છે. પુરાતત્વવિદ એસ આર રાવ ના જણાવ્યા મુજબ એ સ્થળેથી મળેલી પ્રાચીન વસ્તુઓ અને નગર રચના મહાભારત અને અન્ય પુરાણોમાં કરવામાં આવેલા વર્ણન સાથે સામ્ય ધરાવે છે. તેમણે કહ્યું,”આ શોધે પૌરાણિક કથાને વાસ્તવિકતામાં બદલી દીધી છે”.