ભારતની યોજનાથી ખિજાઈને હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો : બાયડને રોન કાઢી
જી-20માં ભારત- મિડલ ઈસ્ટ- યુરોપ કોરિડોરના નિર્ણયથી હમાસ રિસાયું હોવાનું રટણ
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને એકદમ નવી રોન કાઢી છે. આ યુદ્ધનું કારણ આપતા એમણે જણાવ્યું હતું કે, ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલાનું મુખ્ય એક કારણ તાજેતરમાં નવી દિલ્હી ખાતે G-20 સમિટમાં ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોરનો મહત્વાકાંક્ષી નિર્ણય લેવામાં આવ્યો તે છે. આ પ્રોજેક્ટ રેલ્વે નેટવર્ક દ્વારા સમગ્ર વિસ્તારને ઇઝરાયેલ સાથે જોડે છે. બાયડનના આવા વિધાનથી ભારે આશ્ચર્ય ફેલાયું છે અને નવી ચર્ચા જાગી છે.
બાયડને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કરી હતી. આ વાત કરતા તેમણે જણાવ્યું કે, મારી પાસે તેના માટે કોઈ પુરાવા નથી. પરંતુ હમાસના હમલા પાછળ ક્યાંકને ક્યાંક આ કારણ જવાબદાર હોય શકે છે.
તેમણે એમ પણ કહ્યું કે, આ મારો અંતરાત્માનો અવાજ છે જેના આધારે હું આ દાવો કરું છું. ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ છે તેને પાછળ છોડી શકીએ નહીં.
આ નવો કોરિડોર આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. આ વર્ષે G-20ની સમીટમાં યુએસ, ભારત, સાઉદી અરેબિયા, યુએઈ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને યુરોપિયન યુનિયનના નેતાઓ દ્વારા સંયુક્ત રીતે તેને માન્યતા મળી હતી. આ કોરિડોરમાં ઈસ્ટર્ન કોરિડોરનો સમાવેશ થાય છે જે ભારતને ગલ્ફ ક્ષેત્ર સાથે જોડે છે. એક ઉત્તરીય કોરિડોર છે જે ગલ્ફ પ્રદેશને યુરોપ સાથે જોડે છે.