ભાગદોડને કારણે જ્યાં 11 લોકોના મોત થયા હતા ત્યાંથી જ શરૂ થશે IPL 2026: બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમથી IPLની 19મી સીઝનનો પ્રારંભ
ટી-20 વર્લ્ડકપમાં હવે એકમાત્ર ફાઈનલ મુકાબલો બાકી છે જે રવિવારે રમાશે. આ ટૂર્નામેન્ટ પૂર્ણ થયાના થોડા જ દિવસ બાદ વિશ્વની સૌથી મોટી ટી-20 લીગ આઈપીએલની 19મી સીઝન શરૂ થવા જઈ રહી છે. ટૂર્નામેન્ટની શરૂઆત 28 માર્ચથી થશે અને 31 મે સુધી ચાલશે. તારીખ બાદ હવે ટૂર્નામેન્ટ ક્યારથી શરૂ થશે તે પણ સામે આવ્યું છે. ટૂર્નામેન્ટની પહેલી મેચ બેંગ્લુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ પરથી થશે જ્યાં પાછલા વર્ષે ભાગદોડને કારણે 11 લોકો કચડાઈ ગયા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે પણ આઈપીએલની નવી સીઝનની શરૂઆત પાછલી ટૂર્નામેન્ટની ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડથી થશે. પાછલા વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુર (આરસીબી)એ પહેલીવાર આઈપીએલની ટ્રોફી જીતી હતી આવામાં આ વર્ષે ટૂર્નામેન્ટની શરૂઆત તેના હોમ ગ્રાઉન્ડ ચિન્નાસ્વામી સ્ટેડિયમથી થશે. જ્યારે ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો પણ અહીં જ રમાવાની શક્યતા છે. જો કે હજુ સુધી સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો નથી.
ચિન્નાસ્વામી સ્ટેડિયમને આઈપીએલ-2026ની મેચના આયોજન માટે લીલીઝંડી મળી ચૂકી છે. પાછલા વર્ષે આરસીબી ચેમ્પિયન બન્યા બાદ વિક્ટરી પરેડ નીકળી હતી જેમાં ભાગદોડને કારણે 11 લોકોના મોત નિપજ્યા હતા. આ પછી બેંગ્લુરુમાં મેચના આયોજન પર રોક લગાવી દેવાઈ હતી. જાણકારી પ્રમાણે આરસીબી પોતાની સાતમાંથી પાંચ હોમ મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર રમાશે જ્યારે બે મેચ છત્તીસગઢના રાયપુર સ્ટેડિયમ પર રમશે.
