IPL 2025 : ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકતાએ જીત સાથે ખાતું ખોલાવ્યું, રાજસ્થાને સળંગ બીજી હારનો સ્વાદ ચાખ્યો
રાજસ્થાન રોયલ્સનો આઈપીએલ-૧૮માં સળંગ બીજો પરાજય થયો હતો. ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકતાએ આ સિઝનમાં પોતાનું ખાતું નું ખાતું ખોલાવ્યું છે. ગુવાહાટીમાં રમાયેલી મેચમાં કોલકાતાએ રાજસ્થાનને 8 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન ફક્ત ૧૫૧ રન જ બનાવી શક્યું હતું જેના જવાબમાં કોલકાતાને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં બહુ મુશ્કેલીનો સામનો કરવો પડયો ન્હોતો. કોલકાતાની જીતનો હીરો ડી’કોક રહ્યો જેણે 61 બોલમાં 97 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે જ કોલકાતાએ આ સિઝનની પહેલી જીત મેળવી હતી.
કોલકાતાએ પાવરપ્લેમાં ધીમી શરૂઆત કરી હતી. પાવરપ્લેમાં કોલકતા ફક્ત 40 રન બનાવી શક્યું હતું. તેણે 7.4 ઓવરમાં 50 રન પૂરા કર્યા. મોઈન અલી અને અજિંક્ય રહાણે મુશ્કેલીમાં દેખાતા હતા પરંતુ ડી કોકે સ્કોરબોર્ડ સતત ફરતું રાખ્યું હતું. તેણે 36 બોલમાં અડધી સદી ફટકારી જેમાં 3 છગ્ગા અને 5 ચોગ્ગાનો સમાવેશ હતો. ત્યારબાદ તેણે અંગક્રિશ સાથે માત્ર 30 બોલમાં અડધી સદીની ભાગીદારી કરી અને અહીંથી રાજસ્થાનની હાર નિશ્ચિત થઈ ગઈ હતી.
આ મેચમાં રાજસ્થાને ટોસ હારી પહેલા બેટિંગ કરી હતી. કેપ્ટન સંજુ સેમસન અને જયસ્વાલે ટીમને ઝડપી શરૂઆત આપી હતી પરંતુ ચોથી ઓવરમાં વૈભવ અરોરાએ વિકેટ લઈને કોલકતાને પહેલી સફળતા અપાવી હતી. સેમસન આઉટ થયા પછી, રિયાન પરાગે ઝડપી બેટિંગ કરી પરંતુ આ દરમિયાન યશસ્વી જયસ્વાલ 29 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. રિયાન પરાગને પણ વરુણ ચક્રવર્તીએ 25 રન બનાવીને આઉટ કર્યો હતો. નીતિશ રાણા પણ ફક્ત 8 રન બનાવી શકયો હતો. હસરંગાએ 4 રન બનાવ્યા જ્યારે ધ્રુવ જુરેલે 33 રનનું યોગદાન આપતા રાજસ્થાનની ટીમ 150 રનને પાર કરી શકી હતી.કોલકતા વતી વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 2 વિકેટ લીધી હતી તો મોઈન અલીએ પણ 23 રન આપીને ૨ વિકેટ લીધી હતી. હર્ષિત રાણા અને વૈભવ અરોરાએ 2-2વિકેટ ખેડવી હતી.