ગુરુપત્વાનની હત્યાનું કાવતરું રચવાનાકેસમાં રોના પૂર્વ અધિકારીની સંડોવણી
કેનેડામાં શીખ આતંકવાદી હરદીપ સિંઘ નીજજરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી અંગેનો વિવાદ વકર્યો છે અને ભારત તપાસમાં સહકાર ન આપતું હોવાનો અમેરિકાએ આક્ષેપ કર્યો છે એવા જ સમયે અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા અમેરિકામાં વસતા શીખ આતંકવાદી ગુરુપત્વાન પન્નુમ ની હત્યાનું ષડયંત્ર રચવા બદલ રોના ભૂતપૂર્વ અધિકારી વિકાસ યાદવ સામે આરોપનામું રજૂ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ બહુચર્ચિત ઘટનાની તપાસ અંગે ભારતે રચેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ અમેરિકા જઈ અને તપાસની વિગતો તથા પુરાવા રજૂ કર્યા તે પછી તરત જ આ આરોપનામું ઘડવામાં આવ્યું હતું. અત્યાર સુધી એફબીઆઇએ આ અધિકારીની ઓળખ CC1 તરીકે આપી હતી પરંતુ ભારતીય સમિતિની મુલાકાત બાદ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે પ્રથમ વખત તેનું નામ જાહેર કર્યું હતું.વિકાસ યાદવ હવે ભારત સરકારનો કર્મચારી ન હોવાનું ભારતે જણાવ્યું હતું.
ગુરુપત્વાનની હત્યાનું કાવતરૂ રચવા અંગે ઝેકોસ્લોવેકિયાની પોલીસે ગત વર્ષે નિખિલ ગુપ્તા નામના ભારતીય નાગરિકની ધરપકડ કરી હતી અને બાદમાં તેની સોપણી અમેરિકાને કરી દેવામાં આવી હતી. ગુરુપત્વાનની હત્યા માટે ભાડૂતી મારો શોધવાની જવાબદારી નિખિલ ગુપ્તાને ભારતના એક અધિકારીએ આપી હોવાનો અમેરિકા આક્ષેપ કર્યો હતો. જો કે ભારત સરકારે એ આક્ષેપોને નકાર્યા હતા અને બાદમાં અમેરિકાના દબાણ હેઠળ એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી.
વિકાસ યાદવ સામે આરોપનામું ઘડ્યા બાદ એફબીઆઇના ડાયરેક્ટર ક્રિસ્ટોફર વ્યારે અમેરિકામાં વસતા તેના નાગરિકો સામેની હિંસા કોઈપણ સંજોગોમાં ચલાવી નહિ લેવાય તેવું નિવેદન આપ્યું હતું. યુએસ એટર્ની જનરલ મેરીક બી. ગરકેન્ડએ પણ કહ્યું કે આ આરોપનામું એ સાબિત કરે છે કે અમેરિકા તેના નાગરિકો સામેના કોઈ ષડયંત્રને સાંખી લેશે નહીં. ઉલ્લેખનીય છે કે ભારતની તપાસ સમિતિએ અમેરિકામાં આવીને પુરાવાઓ રજૂ કર્યા હોવાની સૌ પ્રથમ ઘોષણા અમેરિકાએ કરી હતી અને બાદમાં ભારતના વિદેશ મંત્રાલય પણ એ વાતને પુષ્ટિ આપી હતી. અમેરિકાએ ભારત આ ઘટનાની તપાસમાં સહકાર આપતું હોવાનું જણાવ્યું હતું.