શેખ હસીના સામે ઇન્ટરનેશનલ કોર્ટનું વોરંટ
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલી વધી ગઈ છે. બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલે તેમના વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યું છે. કોર્ટે 18 નવેમ્બર સુધી શેખ હસીનાને રજૂ કરવાનો આદેશ આપ્યો છે. અત્યારે હસીના દિલ્હીમાં જ છે.
બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલના મુખ્ય ફરિયાદી મોહમ્મદ તજુલ ઈસ્લામે આ વાતની જાણકારી શેર કરી હતી. શેખ હસીના વિરુદ્ધ બાંગ્લાદેશમાં માનવાધિકાર હનન સાથે જોડાયેલા ઘણા મામલાની તપાસ ચાલી રહી છે. તેમની પર વિદ્યાર્થી આંદોલન દરમિયાન જીવ ગુમાવનાર ઘણા વિદ્યાર્થીઓની હત્યાનો પણ આરોપ છે.
બાંગ્લાદેશમાં ઘણી વખત શેખ હસીનાના પ્રત્યર્પણની માગ ઉઠી ચૂકી છે. આ મામલે ભારતની સામે રાજદ્વારી સંકટ પણ ઊભુ થઈ ગયુ છે. માનવામાં આવી રહ્યું છે કે શેખ હસીનાના કારણે બંને દેશોની વચ્ચે સંબંધો પર પણ અસર પડી શકે છે. ભારત અને બાંગ્લાદેશની વચ્ચે એક પ્રત્યર્પણ સંધિ 2013માં થઈ હતી. હવે સવાલ ઉઠે છે કે જો બાંગ્લાદેશની વચગાળાની સરકાર શેખ હસીનાના પ્રત્યર્પણની માગ કરે છે તો શું ભારત તેની વિનંતીનો સ્વીકાર કરશે.
હસીના ભારતમાં જ છે
દરમિયાનમાં શેખ હસીના અત્યારે ક્યાં છે તેવા સવાલો થઈ રહ્યા હતા ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે એવી માહિતી આપી હતી કે હસીના અત્યારે દિલ્હીમાં જ છે . એમને સુરક્ષા અપાઈ છે અને ભારતે મિત્રતા નિભાવી છે.