પતિનો અમાનવીય અત્યાચાર: પત્નીનું મુંડન કરી, હાથ પગ બાંધી સરાજાહેર માર માર્યો
બેટી બચાવો અને નારી સન્માનના ગગનગાજી બુલંદ નારાઓ અને સરકારી દાવાઓ વચ્ચે ભારતમાં દરરોજ નારી પર ના અત્યાચારોના આઘાતજનક કિસ્સાઓ બહાર આવતા રહે છે. એવી જ એક ઘટનામાં ઉત્તર પ્રદેશના કનૌજમાં એક શખ્સે તેની પત્નીને ગ્રામજનોની હાજરીમાં જ હાથ પગ બાંધી લાકડી વડે કૃરતાપૂર્વક માર મારી અમાનવીય અત્યાચાર ગુજાર્યો હતો. માર મારતા પહેલા એ મહિલાનું મુંડન કરવામાં આવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ત્રીજી તારીખે બની હતી. એ મહિલાએ તેનો ભત્રીજો રાજનાથ તેની જાતીય સતામણી કરતી હોવાની ફરિયાદ કર્યા બાદ પતિ વિફર્યો હતો. પોતાની પત્નીની સત્તામણી કરનાર ભત્રીજા ને ઠપકો દેવાને બદલે તેણે પત્નીને જ દોષિત માની હતી. પત્નીના માથાનો મુંડન કર્યા બાદ તે તેને ઢસડી અને જાહેર માર્ગ પર લઈ ગયો હતો અને ત્યાં હાથ પગ બાંધી ઉપરા છાપરી લાકડી ના અસંખ્ય ઘા માર્યા હતા. આ ઘટના નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા. પીડાથી કણસતી લાચાર મહિલા છોડી મૂકવા માટે કાકલુદી કરતી હતી પરંતુ કોઈ તેને બચાવવા વચ્ચે નહોતું પડ્યું.
આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશમાં મહિલાઓની સલામતી બાબતે યોગી સરકાર ઉપર તડાપીટ બોલી હતી અને બાદમાં પોલીસે મહિલાના પતિ સહિત છ શખ્સોની ધરપકડ કરી હતી.
