સ્વચ્છ શહેરોમાં ઇન્દોર ફરી ટોપ પર : સુરત બીજા અને મુંબઈ ત્રીજા ક્રમે, મોટાં શહેરોમાં અમદાવાદે બાજી મારી, જાણો તમારું શહેર કયા નંબરે
ઇન્દોરે ફરી એકવાર સ્વચ્છતાના ક્ષેત્રમાં ઇતિહાસ રચ્યો છે. ગુરુવારે જાહેર થયેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 ના પરિણામોમાં, ઇન્દોરે સતત આઠમી વખત દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ જીત્યો છે. સુરતને બીજું સ્થાન, મુંબઇને ત્રીજું સ્થાન મળ્યું છે. ગુજરાતના બે શહેરોએ રંગ રાખ્યો છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજધાની દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં ઇન્દોરને સ્વચ્છતાનું સર્વોચ્ચ સન્માન આપ્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. સ્વચ્છતા એવોર્ડમાં ગુજરાતના શહેરોનો પણ દબદબો જોવા મળ્યો છે. 10 લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદે બાજી મારી છે. નોંધનીય છે કે 2015મા અમદાવાદ 15માં સ્થાને હતું, હવે નંબર વન બની ગયું છે.
સ્વચ્છ રાજધાની ભોપાલ
આ વર્ષે સર્વેક્ષણમાં સુરત બીજા સ્થાને અને નવી મુંબઈ ત્રીજા સ્થાને છે. તે જ સમયે, ભોપાલને દેશની સૌથી સ્વચ્છ રાજધાની જાહેર કરવામાં આવી છે. ઇન્દોર માત્ર સતત જીત નોંધાવી રહ્યું નથી, પરંતુ હવે તે અન્ય શહેરો માટે પણ એક ઉદાહરણ બની ગયું છે. આ વખતના સર્વેક્ષણમાં, સુપર સ્વચ્છ લીગ શરૂ કરવામાં આવી હતી, જેમાં દેશના 23 મુખ્ય શહેરોનો સમાવેશ થતો હતો. આ શહેરોમાં ઇન્દોરે પણ સૌથી વધુ ગુણ મેળવ્યા હતા.
આ પણ વાંચો : Bengaluru stampede : RCBને મોટો ઝટકો, બેંગલુરુ નાસભાગમાં ક્રિમિનલ કેસ ચલાવવા કર્ણાટક સરકારે આપી મંજૂરી

વડાપ્રધાને વખાણ કર્યા હતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઘણી વખત ઇન્દોરની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું હતું કે જ્યારે દેશના અન્ય શહેરો કોઈ કાર્યની યોજના બનાવે છે, ત્યારે ઇન્દોરે તે પૂર્ણ કરી લીધું હોય છે. 2017 થી સતત પ્રથમ ક્રમે રહેલા ઇન્દોરની સૌથી મોટી તાકાત તેનું જનભાગીદારી મોડેલ છે. અહીં, નાગરિકો, વહીવટીતંત્ર અને સ્વચ્છતા કર્મચારીઓએ સાથે મળીને સ્વચ્છતાને માત્ર એક આદત બનાવી નથી, પરંતુ તેમાં સતત નવીનતા પણ લાવી રહ્યા છે.