ઇન્ડોનેશિયાએ ભારતની મધ્યાહન ભોજન યોજનાની કોપી કરી !! શું આ યોજના સફળ થશે ? વાંચો વિશેષ અહેવાલ
ભારતની સફળ મધ્યાહન ભોજન યોજના પરથી પ્રેરણા લઈને ઇન્ડોનેશિયાએ શાળાના બાળકોને મફત પૌષ્ટિક ભોજન આપવાનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ શરૂ કર્યો છે. તેના પ્રથમ દિવસે આ યોજનાથી 5,70,000 થી વધુ બાળકોને લાભ મળ્યો. ઇન્ડોનેશિયા ભારત પાસેથી શીખીને પોતાના દેશમાં બાળ આરોગ્ય અને શિક્ષણને સુધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે.
વિનામૂલ્યે પૌષ્ટિક ભોજન કાર્યક્રમ તરીકે ઓળખાતી આ યોજના ઑક્ટોબર 2024 માં કાર્યભાર સંભાળનારા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોનું મુખ્ય અભિયાન વચન હતું. 2025 માટે ફાળવેલ 71 ટ્રિલિયન રૂપિયા (લગભગ $4.4 બિલિયન)ના બજેટ સાથે, આ કાર્યક્રમનો હેતુ સમગ્ર દેશમાં લગભગ 83 મિલિયન શાળાના બાળકોને અઠવાડિયામાં પાંચ દિવસ ભોજન આપવાનો છે.
પ્રમુખ સુબિયાન્ટોનું વિઝન સ્પષ્ટ છે: કુપોષણ સામે લડવું, બાળકોને શાળામાં રોજ હાજરી આપવા માટે પ્રોત્સાહિત કરવા અને આર્થિક રીતે સંઘર્ષ કરી રહેલા પરિવારોને ટેકો આપવો. 6 જાન્યુઆરીએ, કાર્યક્રમની શરૂઆત ખૂબ જ ધામધૂમથી થઈ, જેમાં પાંચ લાખથી વધુ બાળકોને ભોજન પીરસવામાં આવ્યું.
ભારતના મધ્યાહન ભોજનની સફળતા
આ કાર્યક્રમનો વિચાર ભારતની પ્રખ્યાત મિડ-ડે મીલ સ્કીમથી પ્રેરિત હતો, જે બે દાયકાથી વધુ સમયથી સફળતાપૂર્વક ચાલી રહી છે. એપ્રિલ 2024 માં, ઇન્ડોનેશિયન પ્રતિનિધિમંડળે આખી યોજના જાણવા માટે ભારતની ઓફીશીયલ મુલાકાત લીધી હતી.
ઇન્ડોનેશિયાના પ્રતિનિધિમંડળે અભ્યાસ કર્યો કે કેવી રીતે ભારતના કાર્યક્રમે શાળામાં હાજરીમાં નોંધપાત્ર સુધારો કર્યો અને બાળકોમાંથી કુપોષણની તકલીફ દુર કરી. બેંગ્લોરમાં અક્ષયપાત્રના કિચનની મુલાકાત પણ લીધી. તે જગ્યાથી રોજના લાખો લોકોને ભોજન પીરસવામાં આવે છે. તેમણે ટેકનોલોજીનો નવીન ઉપયોગ, મોટા પયમાના ઉપર રસોઈની તૈયારી અને ભારતમાં કેન્દ્રીય અને સ્થાનિક સરકારો વચ્ચે નોંધપાત્ર સહયોગનું અવલોકન કર્યું.
ભોજનમાં શું પીરસવામાં આવશે?
આ પ્રકારની યોજનામાં નક્કી થતું મેન્યુ નિષ્ણાતોની ટીમના માર્ગદર્શન હેઠળ નક્કી થાય તે અપેક્ષિત છે. બાળકોની ઉમર વધતી હોય છે, શરીરનો વિકાસ થઇ રહ્યો હોય છે, હાઈટ વધતી હોય છે અને અભ્યાસને કારણે મગજનો ઉપયોગ વધુ થતો હોય છે. આ બધા પરિબળો ધ્યાનમાં રાખીને એવું ભોજન નક્કી થવું જોઈએ કે જે બાળકો માટે સમતોલ આહારની ગરજ સારે. બધા જ પ્રકારના પોષકતત્વો મળી રહેવા જોઈએ. ખાસ કરીને શારીરિક વિકાસ માટે પ્રોટીન આવશ્યક છે. માટે પ્રોટીન યુક્ત આહાર પીરસવામાં આવે તે ઇચ્છનીય છે.
જો કે તેની સાથે સાથે ચોખ્ખાઈ જળવાય તે એનાથી પણ વધુ મહત્વનું છે. બાળકોને તાજો ખોરાક મળે તે માટે કડક નિયમો હોવા જોઈએ. જરા પણ વાસી કે બગડેલો ખોરાક ભોજનમાં ન આવી જાય તેનું ચુસ્તપણે ધ્યાન રાખવું પડે.
પડકારો
આ યોજના અને તેના ફાયદાઓ આશાસ્પદ હોવા છતાં તેની સામે ઘણા પડકારો રહેલા છે. ઘણા અવરોધો ઉભા થાય અને તેનો ઉકેલ લાવવો પડે. નાણાકીય સ્થિરતા એ મુખ્ય ચિંતા છે. કાર્યક્રમનું બજેટ 71 ટ્રિલિયન રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો પ્રોગ્રામ વિસ્તરે તો ખર્ચ વધીને 450 ટ્રિલિયન રૂપિયા – વાર્ષિક થઈ શકે છે.
લોજિસ્ટિકલ પડકારો પણ છે. ઇન્ડોનેશિયાનું સ્થાનિક દૂધ ઉત્પાદન દેશની જરૂરિયાતોના માત્ર 22.7% જ પૂરા કરે છે. મધ્યાહન ભોજન સ્કીમ લાગુ પડ્યા પછી દુધની નિયમિત આયાત વધારવી પડે. દૂધ-દહીં-છાશમાં દેશવ્યાપી ભાવવધારો ન થઇ જાય અને દેશ મોંઘવારી તરફ ધકેલાઈ ન જાય તે પણ જોવાનું રહ્યું.
ટેકનોલોજીનો ઉપયોગ
આ પડકારોનો સામનો કરવા માટે, ઈન્ડોનેશિયા ભારતના ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી પ્રેરિત ડિજિટલ સોલ્યુશન્સ શોધી રહ્યું છે. ભારતની JAM (જન ધન-આધાર-મોબાઇલ) ટ્રિનિટી જેવી સિસ્ટમનો ઉપયોગ કરીને, ઇન્ડોનેશિયાની સરકાર લોજિસ્ટિક્સને સુવ્યવસ્થિત કરવા, ખર્ચને ટ્રેક કરવા અને જવાબદારી સુનિશ્ચિત કરવાની આશા રાખે છે.
જનજાગૃતિ પણ જરૂરી છે. પ્રોગ્રામને પ્રોત્સાહન આપવા માટે ને આ યોજનાનો સંદેશ ફેલાવવા માટે અમુક ઇન્ફ્લ્યુઅન્સર્સને રાખવામાં આવ્યા છે. 5 વર્ષથી ઓછી ઉંમરના આશરે 20% ઇન્ડોનેશિયન બાળકો ઓછી વૃદ્ધિથી પીડાય છે. કુપોષિત બાળકોનું સ્વાસ્થ્ય સુધરે એ પ્રથમ હેતુ છે.
શું આ યોજના સફળ થશે?
ઇન્ડોનેશિયાના કાર્યક્રમની સફળતાનો આધાર ફાળવેલ બજેટમાં પોષ્ટિક ખોરાક આપવાની તે દેશની ક્ષમતા પર છે. ઘટકોનું સ્થાનિક સોર્સિંગ, લોકલ લોકોનું સમર્થન અને કાર્યક્ષમ આયોજન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
પડકારો હોવા છતાં, આ કાર્યક્રમ લાખો બાળકોના જીવનમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. ભારતની મધ્યાહન ભોજન યોજનાએ આ સાબિત કરી બતાવ્યું છે. વિદ્યાર્થીઓનું પેટ ઠારો તો દેશના શિક્ષણમાં સુધારો થાય. શિક્ષણમાં સુધારો કરીને, ઇન્ડોનેશિયા તેના સૌથી યુવા નાગરિકોનું સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યું છે.