અમેરિકામાં બેફામ ગોળીબાર, 22 ના મોત, 60 ઘાયલ
સેનામાંથી રીટાયર થયેલા હુમલાખોરે લેવિસ્ટનમાં રેસ્ટોરન્ટ અને બાર સહિત ત્રણ સ્થળે અંધાધૂંધ ફાયરિગ કર્યું, માનસિક અસ્થિર છે અને ફરાર છે, લોકો ભયભીત, સરકાર લાચાર
અમેરિકામાં ભયંકર રીતે સામાન્ય થઈ રહેલી માસ શૂટિંગની ઘટનાઓથી લોકો ભયભીત છે અને સરકારનો કોઈ કંટ્રોલ રહ્યો નથી. અલગ અલગ ભાગોમાં ગોળીબારની ઘટનાઓ વધતી જઈ રહી છે. ફરીવાર આવી ઘટના બની હતી. વેલિસ્ટનમાં એક રેસ્ટોરન્ટ અને એક બાર સહિત ત્રણ સ્થળે એક શખ્સે બેફામ ગોળીબાર કરીને 22 લોકોને મોતને ઘાટ ઊતારી દેતાં હાહાકાર મચી ગયો હતો. અન્ય લગભગ 60 લોકો ઘાયલ થયા હતા જેમાંથી અનેકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. ગોળીબાર કરનાર ફરાર છે અને પોલીસે લોકોને ઘરોમાં જ રહેવાની અપીલ કરી છે. તેનું નામ રોબર્ટ કાર્ડ હોવાનું પણ બહાર આવ્યું છે.
પોલીસે જણાવ્યું કે આ ઘટના બુધવારે મોડી રાતે બની હતી. પોલીસે હુમલાખોરની તસવીર જાહેર કરી મદદ પણ માગી છે. ફોટામાં લાંબી બાયનો શર્ટ અને જીન્સ પહેરી એક વ્યક્તિ રાઈફલ પકડીને ફાયરિંગ કરી રહ્યો છે. એવું પણ બહાર આવ્યું છે કે હુમલાખોર સેનામાં હતો અને રિટાયર થયો છે. તે માનસિક રીતે અસ્થિર હોવાનું પણ કહેવાય છે. આ પહેલા ઘરેલુ હિંસાના કેસમાં પણ તેની ધરપકડ થઈ હતી.
લોકોને ઘરમાં રહેવા અપીલ
એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ અને તમામ વેપારીઓને તેમની સંસ્થાઓ બંધ રાખવા અપીલ કરાઈ છે. મેઈન ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના પ્રવક્તાએ લોકોને ઘરમાં રહેવા વિનંતી કરી છે.
લેવિસ્ટનમાં ત્રણ જગ્યાએ ફાયરિંગ
એક અહેવાલમાં લેવિસ્ટન પોલીસ પ્રવક્તાને ટાંકીને દાવો કરાયો હતો કે સ્પેરટાઇમ રિક્રિએશન, સ્કેમેન્ઝી બાર એન્ડ ગ્રીલ રેસ્ટોરન્ટ અને વોલમાર્ટ વિતરણ કેન્દ્ર સહિત ત્રણ અલગ-અલગ જગ્યારે ગોળીબારની ઘટના બની હતી. વોશિંગ્ટનમાં એક અમેરિકન અધિકારીએ કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાયડેનને ફાયરિંગની આ ઘટના વિશે જાણ કરવામાં આવી છે અને તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
ફાયરિંગ કરનાર શૂટિંગ ટ્રેનર હોવાનો ખુલાસો
અમેરિકન પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબાર કરનાર વ્યક્તિ માનસિક રીતે બીમાર છે અને તે માત્ર શૂટિંગની ટ્રેનિંગ આપતો હતો. ગોળીબાર કરનારનું નામ રોબર્ટ કાર્ડ છે. આ ઘટનાની માહિતી રાષ્ટ્રપતિ જો બાયડેનને આપવામાં આવી છે.