ખાણીયા મજૂરોને લાઈનમાં ઊભા રાખી અંધાધુંધ ગોળીબાર: 20 ના મોત,7 ઘાયલ
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં શુક્રવારની રાત્રે એક વ્યક્તિએ કરેલા હુમલામાં કોલસાની ખાણમાં કામ કરતા 20 શ્રમિકો ના મૃત્યુ થયા હતા જ્યારે અન્ય સાત ઘાયલ થયા હતા. પાકિસ્તાનમાં શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનનું સમિટ મળવાનું છે તેના થોડા દિવસ પહેલાં જ થયેલા આ હુમલા બાદ ઇસ્લામાબાદમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે રાત્રે હુમાયુ ખાન નાસિર નામનો એક શખ્સ બલુચિસ્તાનના દુકી જિલ્લામાં આવેલી કોલસાના ખાણમાં કામ કરતાં મજૂરોની કોલોનીમાં ઘસી ગયો હતો. તેણે બંદૂકની અણીએ લોકોને બહાર કાઢી એક કતારમાં ઊભા રાખ્યા હતા અને બાદમાં અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. માત્ર પાંચ મિનિટમાં જ સર્જાયેલા આ હત્યાકાંડમાં 20 ગરીબ શ્રમિકોના મૃત્યુ થયા હતા. ઉલ્લેખનીય છે કે હજુ ચાર દિવસ પહેલા જ બલુચિસ્તાન લિબરેશન આર્મીના આતંકીઓએ કરાચી એરપોર્ટ નજીક કરેલા હુમલામાં બે ચીની નાગરિકોના મૃત્યુ થયા હતા.
દરમિયાન 15 મી ઓક્ટોબરે ઇસ્લામાબાદ ખાતે યોજાનાર શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનના સમિટ પૂર્વે થયેલા હુમલા બાદ ઇસ્લામાબાદમાં સુરક્ષા દળો એલર્ટ પર મુકાઈ ગયા છે. સલામતીના પગલાં રૂપે તારીખ 12 થી 16 ઓક્ટોબર સુધી ઇસ્લામાબાદમાં તમામ રેસ્ટોરન્ટ, વેડિંગ હોલ, કાફે અને સ્નૂકર ક્લબ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.