દિલ્હીમાં બે જૂથો વચ્ચે અંધાધુંધ ગોળીબાર: એક મહિલા ઘાયલ
બે વેપારીઓ વચ્ચે ઝઘડા બાદ વેલકમ વિસ્તારની માર્કેટમાં 20 રાઉન્ડ ફાયરિંગ
નોર્થ ઈસ્ટ દિલ્હીના વેલકમ વિસ્તારમાં હવેલી રાજા માર્કેટમાં શનિવારે બપોરે 4:45 વાગ્યાના અરસામાં બે જૂથો વચ્ચે અંધાધુંધ ગોળીબાર થતા ભારે ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનામાં બાવીસ વર્ષની એક નિર્દોષ યુવતીને છાતીમાં ગોળી ઘૂસી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ કાપડના હોલસેલના બે વેપારીઓ વચ્ચે ઝઘડો થયા બાદ બે જૂથ સામ સામે આવી ગયા હતા અને ધાણીફૂટ ગોળીબાર થયો હતો. ઘટનાની જાણ થતા દોડેલી પોલીસે કરેલી તપાસમાં ઘટના સ્થળેથી 20 જેટલા ફૂટેલા અને જીવતા કારતુશો તથા અન્ય હથિયારો મળી આવ્યા હતા.
આ ગોળીબારમાં ઇફ્રા નામની 22 વર્ષની યુવતીને છાતીમાં ગોળી વાગતા સત્વરે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ બારામાં કેટલાક લોકોની ધરપકડ કરી હોવાનું અને તપાસ ચાલુ આવવાનું પોલીસે જાહેર કર્યું હતું.
દિલ્હી બન્યું ક્રાઈમ કેપિટલ
ભારતની રાજધાનીમાં જાહેરમાં અંધાધુંધ ગોળીબાર થવાની ઘટના દિલ્હીમાં બેફામ રહેલી ગુનાખોરીનું પ્રમાણ આપે છે. આ અગાઉ સપ્ટેમ્બર મહિનામાં 29 મી તારીખે એક જ દિવસમાં ગોળીબારની ત્રણ ઘટનાઓ બની હતી. દિલ્હીમાં વેપારીઓને ધમકી આપી અને ખંડણી ઉઘરાવતી 11 માફિયા ગેંગ છેલ્લા કેટલાક સમયથી કાર્યરત હોવાનું પોલીસે જણાવ્યું હતું. ચાલુ વર્ષે 15 ઓગસ્ટ સુધીમાં જ ખંડણીના 173 ગુના નોંધાયા હતા. 2022 માં ખંડણી ને લગતા 187 અને 2023 માં 204 ગુના નોંધાયા હતા.