રાજકોટથી નવી મુંબઈ એરપોર્ટની ઈન્ડીગોની રોજીંદી બે ફ્લાઈટ શરુ: હવે મુંબઈ માટે રોજની 7 ફ્લાઈટ ઉપલબ્ધ
સૌરાષ્ટ્રની વિમાની સેવામાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે. નવી મુંબઈમાં નવુ એરપોર્ટ શરુ થયા બાદ હવે ઈન્ડીગો એરલાઈન્સે રાજકોટ અને ભાવનગરથી રોજની બે-બે ફ્લાઈટ શરુ કરી છે. રવિવારે રાજકોટથી એક સવારે અને એક સાંજે એમ બે ફ્લાઈટ શરુ થઇ છે. આજે સવારે 8 વાગ્યે પહેલી ફ્લાઈટ આવી પહોંચતા એરપોર્ટ ઉપર કેક કટિંગ કરીને તેનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. ભાવનગરમાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીની ઉપસ્થિતિમાં પહેલી ફ્લાઈટનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
નવી મુંબઈથી રાજકોટની ફ્લાઈટ સવારે 8 વાગ્યે આવશે અને 8-25 વાગ્યે રવાના થશે. જયારે સાંજની ફ્લાઈટ 7 વાગ્યે આવીને 7-35 વાગ્યે રવાના થશે. આ બે નવી ફ્લાઈટ સાથે જ રાજકોટથી હવે મુંબઈ માટે રોજની કુલ 7 ફ્લાઈટ ઉપલબ્ધ રહેશે.
દરમિયાન રવિવારે ઇન્ડિગો એરલાઈન્સે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 30 નવા રૂટ પર ફ્લાઈટ્સ શરુ કરવાની જાહેરાત કરી હતી. ઇન્ડિગો એરલાઈન્સે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી આગરા, અયોધ્યા, બાગડોગરા, બેલગામ, ચંદીગઢ, દીવ, કન્નુર, કોલકાતા, પટના, રાજકોટ, શ્રીનગર, વારાણસી, વિશાખાપટ્ટનમ અને અન્ય ઘણા શહેરો માટે નવા રૂટ્સની જાહેરાત કરી હતી.
એક પ્રેસ રિલીઝ અનુસાર ઇન્ડિગો એરલાઈન્સે જણાવ્યું કે એરલાઈન નવી મુંબઈ એરપોર્ટથી દર અઠવાડિયે 400 થી વધુ ડિપાર્ચર ઓપરેટ કરશે, જે મુસાફરોને આરામદાયક મુસાફરી વિકલ્પો પુરા પાડશે અને દેશના વિવિધ ભાગોમાં પ્રાદેશિક કનેક્ટિવિટી વધારશે. ઇન્ડિગો એરલાઇન્સના જણાવ્યા મુજબ 23 એપ્રિલ સુધી નવા રૂટનો ઉમેરો કરવામાં આવશે.
ઇન્ડિગોએ પ્રેસ રિલીઝમાં એમ પણ જણાવ્યું કે ઇન્ડિગો ગુજરાતના છ શહેરોથી ફ્લાઈટ ઓપરેટ કરી રહી છે, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરનો સમાવેશ થાય છે, ઇન્ડિગો ગુજરાતથી દર અઠવાડિયે 1,400 થી વધુ ફ્લાઇટ્સ ઓપરેટ કરી રહી છે.
